• અમિત રોય દ્વારા

ચેલ્સિ ફ્લાવર શોમાં લેન્ડસ્કેપ ડિઝાઈનર મનોજ માલદેએ ડિઝાઇન કરેલા RHS-ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઓફ યુનિટીનું સોમવાર તા. 22ના રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું. જેને બાગકામના વિવેચકો અને લોકો તરફથી ખૂબ સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે, RHS-ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઑફ યુનિટીના ઔપચારિક ઉદઘાટન માટે મહેમાનોને આમંત્રિત કરાયા હતા.

રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના પેટ્રન તરીકે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ચેલ્સિ ફ્લાવરની મુલાકાત લઇ રાણી એલિઝાબેથે લાંબા સમયથી જાળવી રાખેલી પરંપરાનું પાલન કર્યું હતું. પ્રિન્સેસ ઓફ વેલ્સે શાળાના 100 બાળકો માટેની પિકનિકમાં હાજરી આપી હતી.

400 મહેમાનો માટે યોજાયેલા લંચમાં RHS પ્રમુખ કીથ વીડે કહ્યું હતું કે “આ 101મો RHS ચેલ્સિ ફ્લાવર શો છે. ડાયરેક્ટર જનરલ ક્લેર મેટરસન દ્વારા તેનું નેતૃત્વ કરાયું છે અને 600,000 થી વધુ સભ્યો ધરાવતા RHSને વધુ વૈવિધ્યસભર સંસ્થા બનાવવામાં આવશે.’’

ગરવી ગુજરાતના સાથી ઇંગ્લિશ અખબાર ઈસ્ટર્ન આઈ સાથે ગાઢ ભાગીદારીમાં ગાર્ડન ઓફ યુનિટી માટે કામ કરનાર મેટરસને મહેમાનોને દર્શાવાયેલા વિડિયોમાં કહ્યું હતું કે “દુનિયાને બચાવવાની શરૂઆત આપણી આંગળીના ટેરવે થાય છે…અને છોડ કોઈપણ બગીચાના હૃદયમાં હોય છે. જો તમારી પાસે છોડ છે, તો તમે માળી છો. અને વિશ્વ ક્લાઇમેટ ઇમરજન્સીથી લઈને બાયોડાયવર્સિટીના નુકસાનથી લઈને વિશાળ આર્થિક અને સામાજિક ઉથલપાથલ સુધીના અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે. બાગકામ આ પ્રશ્નનો હલ લાવવામાં અભિન્ન અંગ બની શકે છે. અને આથી જ અમે બાગકામ માટે દરેક વ્યક્તિ જોડાય તેવી નવી વ્યૂહરચના શરૂ કરી રહ્યા છીએ. બાગકામની થોડી પ્રવૃત્તિઓ ઘણા લોકોના જીવનમાં ઘણા ફાયદા લાવે છે અને તેથી નવા નિશાળીયાથી લઈને અનુભવી બાગાયતશાસ્ત્રીઓ સુધી દરેકને બાગકામની સુવિધા મેળવવાનો અધિકાર હોવો જોઈએ.”

લંડનમાં બકિંગહામ પેલેસ પછી વિનફિલ્ડ હાઉસ, રીજન્ટ્સ પાર્કમાં આવેલા નિવાસસ્થાનમાં સૌથી મોટો બગીચો ધરાવતા યુકે સ્થિત યુએસ એમ્બેસેડર જેન હાર્ટલીએ મુખ્ય ભાષણ કહ્યું હતું કે ‘’મેં ઇંગ્લિશ ઋતુઓને બદલાતી જોઈ છે. ખાસ કરીને વસંત ઋતુ વિશ્વના કોઈપણ સ્થાન કરતાં અહીં વધુ વિશિષ્ટ છે. ફૂલો વિન્ડો બોક્સ બહાર નીકળતા કે વેલો ઈંટની દિવાલો ઉપર ચઢતી જોવા મળશે.”

મનોજ માલદેએ જણાવ્યું હતું કે “ઘણા સેલિબ્રિટી મહેમાનો ગાર્ડન ઑફ યુનિટી તરફ આકર્ષાયા હતા, જેમાં અભિનેત્રી ડેમ જુડી ડેન્ચ અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ થેરેસ કોફી મુખ્ય હતા. અમે કેવી રીતે બાગકામ અને બાગાયતને વધુ સમાવિષ્ટ બનાવી શકીએ અને વિવિધ સમુદાયોને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકીએ તે વિશે વાતચીત કરી હતી.’’

માલદેના લગ્ન હોવાથી તેમની ખૂબ જ ખુશ માતા સૂર્યકલા પણ સુંદર પોશાક પહેરીને જોડાયા હતા.

બગીચાની કેટલાક હાઇલાઇટ્સ તરફ ધ્યાન દોરતા, માલદેએ કહ્યું હતું કે “અમારી પાસે અહીં કેટલાક આર્ટિકોક્સ છે, અમે સ્વીટ કોર્ન ઉગાડીએ છીએ, અમારી પાસે બગીચામાં મરચાં, ઔબર્જીન, કોહલરાબી, લેટીસ, ચાર્ડ અને મેરીગોલ્ડ્સ પણ છે. હિંદુ પૂજા અને તહેવારોમાં મેરીગોલ્ડનું ખરેખર મહત્વ હોય છે. મોટાભાગના ઇસ્ટર્ન આઇના વાચકોને ગમે તેવા પ્રખ્યાત ફ્લોરિસ્ટ મિત્ર સાઇમન લિસેટે સૌથી અદ્ભુત ટેબલ ક્યુરેટ કર્યું છે. જેમાં તાંબાના કળશ, કેસર કેરી, કોથમીર, ભીંડા – ભીંડી, નાના કેળા, અનાનસ અને વિશ્વભરના ફળો અને શાકભાજીનો સમાવેશ કરાયો છે. તો ગણેશજી, માતા સરસ્વતી અને લક્ષ્મીજી, શિવલિંગનો પણ સમાવેશ કરાયો છે.’’

LEAVE A REPLY

fourteen + four =