ભારતની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બુધવારે આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની અમેરિકાના સત્તાવાળા પાસેથી કસ્ટડી લીધી હતી. આયાત-નિકાસ કૌભાંડમાં મુખ્ય આરોપી આશરે 20 વર્ષથી અમેરિકા ભાગી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફ્લાઇટ મારફત મોનિકા કપૂરને ભારત લવાશે.
અગાઉ ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ ન્યૂ યોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેન્ક સર્ટિફિકેટ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતાં. આ નકલી દસ્તાવેજોના આધારે તેને 1998માં 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા, જેની મદદથી 2.36 કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ પછી આ લાઇસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે તેનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો હતો, જેના કારણે સરકારને 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સીબીઆઈ તપાસ બાદ, 31 માર્ચ, 2004ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ આઈપીસીની કલમ 120-b, 420, 467, 468 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હીની સાકેત કોર્ટે 20 ડિસેમ્બર, 2017ના રોજ રાજન અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલથી દૂર રહી. 13 ફેબ્રુઆરી, 2006ના રોજ કોર્ટે તેને ગુનેગાર જાહેર કરી હતી અને 2010માં તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી.
