શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા(ANI Photo)

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી 24 કલાકમાં નાટયાત્મક ઘટનાક્રમે પછી ભાજપના મોવડીમંડળે ગુરુવાર (30 જૂન)એ ફરી એક વાર મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજકીય વર્તુળોમાં સતત એવી ચર્ચા થઈ હતી કે ફડનવીસ રાજ્યના મુખ્યપ્રધાન બનશે.

એક સરપ્રાઇઝ હિલચાલમાં ફડનવીસે સાંજે જાહેરાત કરી હતી કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના વડા શિંદે નવા મુખ્યપ્રધાન બનશે, જ્યારે તેઓ પોતે નવી સરકારમાં સામેલ નહીં હોય. જોકે ભાજપના ટોચના હાઇકમાન્ડના દબાણને પગલે ફડનીવીસે પોતાનું વલણ બદલવું પડ્યું હતું અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

રાજ્યના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ સાંજે 7.30 વાગ્યે દક્ષિણ મુંબઈમાં રાજભાવન સાથે શિંદે અને તેમના ડેપ્યુટી ફડનવીસને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શિંદેએ શિવસેનાના સ્વ. નેતા બાલ ઠાકરે અને થાણે જિલ્લામાં તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપીને હોદ્દાના શપથ લીધા હતા. શિંદે શપથ લીધા બાદ તેમના સમર્થકોએ છત્રપતિ શિવાજી મહારાજ, શિવસેનાના સ્થાપક ઠાકરે અને દિઘેના સૂત્રો પોકાર્યા હતા.

અગાઉના ફડનવીસે સાંજે 4.30 વાગ્યે જાહેરાત કરી હતી કે તેઓ નવી સરકારમાં સામેલ નહીં થાય. જોકે થોડા સમય બાદ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં ફડનવીસ સામેલ થશે. આ ઘટનાક્રમને પગલે લાગે છે કે ફડનવીસ શિંદેના ડેપ્યુટી બનવા માટે તૈયાર ન હતા અને નારાજ હતા. જોકે ભાજપ હાઇકમાન્ડના દબાણને વશ થવું પડ્યું હતું.

એકનાથ શિંદેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફડનવીસ અને ભાજપના બીજા નેતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે ભાજપની ઉદારતા છે કે તેની પાસે વધુ સંખ્યાબળ હોવા છતાં તેમણે મને મુખ્યપ્રધાન બનાવ્યો છે.
શપથગ્રહ સમારંભમાં નવા સીએમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા, જોકે તેમના પુત્ર અને લોકસભાના સાંસદ શ્રીકાંત શિંદે ગોવામાં બળવાખોર ધારાસભ્યો સાથે રહ્યાં હતા. બળવાખોર ધારાસભ્યો બુધવારની રાત્રે ગૌહાટીથી ગોવા આવ્યા હતા. શિંદેના કેટલાંક સમર્થકોએ થાણેમાં મોટરસાઇકલ રેલી કાઢી હતી અને શિંદના સમર્થનમાં નારેબાજી કરી હતી.

ફડનવીસ કિંગની જગ્યાએ કિંગમેકર બનવું પડ્યું

મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિથી સામાન્ય લોકોની સાથે-સાથે રાજકીય પંડિતોને પણ અચંબામાં નાંખી દીધા હતા. ઉદ્ધવ ઠાકરે સરકારના પતન પછી ભાજપના દેવેન્દ્ર ફડનવીસ ત્રીજી વખત મુખ્યપ્રધાન બનશે તેવી વ્યાપક ધારણા હતી, જોકે ભાજપના આ 51 વર્ષના નેતાએ જાહેરાત કરી હતી કે શિવસેનાના નેતા એકનાથ શિંદે મુખ્યપ્રધાન બનશે.

ફડનવીસે અગાઉ નવી સરકારમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી, જોકે ભાજપના ટોચના નેતાઓના દબાણને પગલે ફડનવીસે તેમનું વલણ બદલવું પડ્યું હતું અને નવી સરકારમાં શિંદને ડેપ્યુટી તરીકે સામેલ થવું પડ્યું હતું. ભાજપને ટોચના નેતાઓ ફડનવીસને ડેપ્યુટી તરીકે શા માટે શા કર્યા છે તે ચર્ચાનો વિષય બન્યો હતો. એનસીપી નેતા શરદ પવારે જણાવ્યું હતું કે પાર્ટીના આદેશનું પાલન કરવાના સંદર્ભમાં ફડનવીસે એક દ્રષ્ટાંત આપ્યું છે. ડેપ્યુટી મુખ્યપ્રધાનના હોદ્દાથી ફડનવીસ ખુશ હોય તેવું લાગતું નથી.

કોંગ્રેસે શિંદ-ફડનવીસ સરકારને ઇડી સરકાર ગણાવી

કોંગ્રેસે મહારાષ્ટ્રની નવી સરકારને ઇડી સરકાર ગણાવીને મજાક ઉડાવી હતી. કોંગ્રેસે એકનાથ અને દેવેન્દ્રના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરોનો ઉપયોગ કરીને કોંગ્રેસે તેનું ઇડી બનાવ્યું હતું. કોંગ્રેસ અગાઉથી કેન્દ્ર સરકાર પર એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ (ઇડી) સહિતની કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના આક્ષેપ કરી રહી છે. મહાવિકાસ અઘાડી સરકારના પતન માટે પણ ઇડીનો ઉપયોગ કરાયો હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

પીએ મોદીએ શિંદે, ફડનવીસને અભિનંદન આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને અભિનંદન આપ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ રાજ્યને નવી ઊંચાઈએ લઈ જશે. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેવા બદલ હું એકનાથ શિંદને અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે તેઓ તેઓ મહારાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જશે. ફડનવીસને અભિનંદન આપતા મોદીએ જણાવ્યું હતું કે દરેક દરેક ભાજપ કાર્યકર્તા માટે પ્રેરણા છે. તેમનો અનુભવ અને કુશળતા સરકારની સંપત્તિ છે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જશે.