નાહિદ (જમણે) તેના પરિવાર સાથે

નોર્થ લંડનના એનફિલ્ડમાં ટાવર બ્લોકની બહાર ગત સપ્ટેમ્બર માસમાં નશામાં ધૂત થઇને પડોશમાં રહેતા નાહિદ અહમદ નામના 26 વર્ષના યુવાનની હત્યા કરવા બદલ 43 વર્ષના અબ્દિ ઇબ્રાહિમ ઓસ્માનને ઓલ્ડ બેઇલી કોર્ટે તિક્ષ્ણ હથિયાર રાખવાના અને હત્યા કરવાના આરોપમાં દોષિત ઠેરવી 23 વર્ષની – આજીવન કેદની સજા કરી હતી.

12 સપ્ટેમ્બરની સાંજે, ઓસ્માન નશો કરી ચીસો પાડતો ફરતો હતો. તે સમય દરમિયાન જ તેણે  નાહિદની કારને લાત મારી હતી. તે સમયે નાહિદ તેની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતો હતો. તે પછી તેણીએ નશામાં ધૂત માણસની ચીસોના અવાજો અને કારનો દરવાજો ખુલતો હતો તેવા અવાજો સાંભળ્યા હતા. તેણીએ તે પછી નાહિદના નામની બુમો પાડી હતી. પરંતુ નાહિદ કારના ખુલ્લા દરવાજા પાસે પડેલો મળી આવ્યો હતો. જેને 13 સપ્ટેમ્બરે મળસ્કે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે ઓસ્માનના ઘરે જઇ તેની ધરપકડ કરી ત્યારે તેના હાથ લોહીથી ખરડાયેલા હતા અને તેના પલંગ નીચેથી લોહી વાળી છરી મળી આવી હતી. તેણે તુરંત જ હત્યાની કબુલાત કરી લીધી હતી. મોતને ભેટેલો નાહિદ લોકોને ખૂબ જ પસંદ હતો અને લોકોએ તેને આદરણીય, મહેનતુ તથા કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે વર્ણવ્યો હતો.