લેન્કેશાયરના બર્નલીમાં રહેતી અને બે બાળકોની માતા કેલ્સી ડેવલિન નામની 27 વર્ષની મહિલાના શંકાસ્પદ સંજોગોમાં પાકિસ્તાનમાં થયેલા મરણ અંગે તપાસ કરવા અને સત્ય હકીકત બહાર લાવવા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને વડા પ્રધાન બોરીસ જોન્સનને તેણીના પરિવારે હાકલ કરી છે.

કેરર તરીકે કામ કરતી કેલ્સી 30 જૂને પાકિસ્તાનના રાવલપિંડીની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. તેના મૃત્યુના પ્રમાણપત્રનાં સેપ્સિસ, સ્ટ્રોક અને કાર્ડિયોપલ્મોનરી એરેસ્ટના કારણે તેનું મરણ થયું હોવાનું જણાવાયું હતું. પરંતુ બર્નલીમાં રહેતા તેણીના પરિવારનું કહેવું છે કે તેમને તેણીના મૃત્યુ પહેલાં તેમને પાકિસ્તાનમાં તેના કલ્યાણની ચિંતા હતી અને તેમણે ફોરેન ઓફિસને પણ આ અંગે જાણ કરી હતી.

તેના ડેથ સર્ટિફીકેટમાં ઘણી મૂળભૂત અસંગતતાઓ જણાઇ હતી. જેમાં તેની ઉંમર ખોટી જણાવાઇ હતી, તે મુસ્લિમ અને પરિણીત હોવાનું અને જન્મથી જ વાઈ આવતી હોવાનું જણાવાયું હતું. તેણીના પરિવાર અને તેના સહયોગીઓને વિરોધાભાસી માહિતી અપાઇ હતી. તેણીએ તેના સાથીદારને કહ્યું હતું કે તેને શંકાસ્પદ મેલેરિયા સાથે દાખલ કરવામાં આવી છે. પરંતુ તેના પરિવારને કેલ્સીને પહેલા પેટમાં બગ હોવાનું અને પછી કોરોનાવાઇરસ થયો હોવાનું જણાવાયું હતું.

બર્નલીના સાંસદ એન્ટની હિગિનબોથમ અને બ્રેડફર્ડ વેસ્ટના સાંસદ, નાઝ શાહે જણાવ્યું હતું કે ડેવલિનનું કુટુંબ “ખરા અર્થમાં માને છે કે કેલ્સીની હત્યા થઈ હોવાની સંભાવના છે. બંને વડા પ્રધાનોને આ કેસમાં વ્યક્તિગત રીતે દખલ કરવા વિનંતી છે. ડેવલિનના મૃતદેહને એક સંપૂર્ણ પોસ્ટમોર્ટમ માટે યુકે લાવવો જોઇએ અને તેના બાળકોને તેમના દાદા-દાદી પાસે યુકે પરત લાવવા જોઇએ.”

ડેવલિનના એક સાથીએ ધ ગાર્ડિયનને કહ્યું હતું કે ડેવલિન એક પાકિસ્તાની વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી હતી જેનાથી તેને બે બાળકો થયા હતા. જે વ્યક્તિ તેના બાળકોને પાકિસ્તાનમાં ઇસ્લામિક શિક્ષણ આપવા માટે ઉત્સુક હતો. ડેવલિન તેનાથી છૂટી થઇ ગઇ હતી. પરંતુ બાળકોની દાદી પાકિસ્તાનમાં ગંભીર રીતે બીમાર છે તેમ કહેવાતા કેલ્સી તેના પૂર્વ પાકિસ્તાની બોયફ્રેન્ડ અને તેની આઠ વર્ષની પુત્રી તથા છ વર્ષના પુત્ર સાથે પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાન જતા પહેલા ડેવિલિન બ્રિટિશ વર્ક કલીગ સાથે પ્રેમમાં હતી તેમ બહાર આવ્યું છે. બાળકોનો પાકિસ્તાની પિતા બાળકોને યુકે પરત ફરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યો છે.

પાકિસ્તાનની પોલીસે કોઇએ ડેવલિનના મોત અંગે શંકા વ્યક્ત કરી ન હોવાથી તપાસ કરવાની રહેતી નથી તેમ કહ્યું છે. જ્યારે ગાર્ડિયને વોટ્સએપ દ્વારા ડેવલિનના પૂર્વ સાથીદારનો સંપર્ક કરતા તેણે કેલ્સીના મૃત્યુને શંકાસ્પદ ગણી શકાય તે કલ્પના બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.