Aishwarya receives notice to pay revenue fee
(ANI Photo)
અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ અને અસલી સોનાનું મૂલ્ય તો ક્યારે ઘટતું નથી. આવી માન્યતા બોલીવૂડમાં પણ છે. અત્યારે ભારતની ફિલ્મી દુનિયામાં ઘણા નવોદિત કલાકારો જોવા મળે છે, જેવા કે જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, કાર્તિક આર્યન, વરુણ ધવન વગેરે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના પણ જુનિયર એવા સુહાના ખાન, શનાયા કપૂર, આર્યન ખાન જેવા અવનવા કલાકારો પણ આ ક્ષેત્રે પદાર્પણ કરવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે ઘણા જુના-પીઢ કલાકારોનું સ્ટારડમ આજે પણ યથાવત છે. અચાનક ફિલ્મોમાંથી ગાયબ થયા પછી ‘ગદર-2’, ‘પઠાણ’, ‘પોન્નીયિન સેલવાન’1 અને 2, ‘મિસિસ ચેટર્જી વર્સસ નોર્વે’ અને ‘જવાન’ જેવી ફિલ્મોથી તેમણે ફરીથી ધમાકેદાર પદાર્પણ કર્યું છે. આ સુપરસ્ટાર રીટર્ન કલાકારો તેમના અભિનયની પ્રતિભા દ્વારા આજે પણ દર્શકોના દિલોમાં આગવું સ્થાન ધરાવે છે.
શાહરુખ ખાન
અત્યારે ફિલ્મ ‘જવાન’ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે તેની ‘પઠાણ’ ફિલ્મનો પણ રેકોર્ડ તોડી દીધો છે. બોલીવૂડના બાદશાહ-બાજિગર તરીકે જાણીતા શાહરુખે ‘દિવાના’ (1992)થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે ફિલ્મોમાં પદાર્પણ કર્યું તે અગાઉ તેણે ‘ફૌજી’ (1988), ‘સર્કસ’ (1989) જેવી સીરિયલોમાં કામ કર્યું હતું. આજે પણ બોલીવૂડમાં કિંગ ખાનનો દબદબો એવો જ છે. તેણે તેની સેકન્ડ ઈનિંગમાં ‘પઠાણ’,’જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાનું નામ ગુંજતું રાખ્યું છે. 57 વર્ષની ઉંમરેના શાહરુખના ચાહકોની અછત નથી, તેના ચાહકોમાં કિશોર વયના લોકોથી લઇને આધેડ વયના લોકોનો સમાવેશ થાય છે. શાહરુખ ખાન આગળ તો આજના યુવા અભિનેતાઓ પણ ઝાંખા પડી જાય છે. હવે તેની નવી ફિલ્મ ‘ડંકી’ ટૂંક સમયમાં રીલીઝ થશે.
સની દેઓલ
બોલીવૂડના ગ્લેમર જગતમાં જે કલાકારને ડાન્સ કરતા આવડતું ન હોય તો તેને અભિનયના દમ પર જ ટકવું પડે છે. સની દેઓલ તેનું સૌથી યોગ્ય ઉદાહરણ છે. સનીને એવું નથી કે તેણે કોઈ ફિલ્મમાં ડાન્સ નથી કર્યો, તેના ડાન્સને યાદ કરશો તો તરત ‘યારા ઓ યારા…’ ગીત યાદ આવશે. આ ગીત પછી તો સનીએ ડાન્સ કરવાનું ખાસ સાહસ કર્યું નથી. ‘બેતાબ’ (1983) ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર એન્ગ્રિ મેન સની દેઓલના ખાતામાં ‘અર્જુન’, ‘ત્રિદેવ’, ‘ઘાયલ’, ‘દામિની’ જેવી ઘણી સુપરહીટ ફિલ્મો છે. જોકે ‘બોર્ડર’ અને ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મ તેના કેરિયરની ટર્નિંગ પોઈન્ટ બની રહી છે. એ પછી તેણે તેના જ બેનરની ફિલ્મ ‘અપને’ કરી જેમાં તે પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ સાથે જોવા મળ્યો હતો. અને છેલ્લે છેલ્લે તેણે 2011માં ફિલ્મ ‘યમલા પગલા દિવાના’માં અભિનય કર્યો અને એ પછી તો જાણે ગાયબ જ થઈ ગયો. પણ એક ડાયલોગ છે ને ‘વક્ત બદલા હૈ પર હમ તો વહી કે વહી હૈ’ આવું જ કંઈક સની સાથે પણ થયું છે. સનીની ફિલ્મ ‘ગદર-2’ એ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી  ઘણી ઓછી ફિલ્મો કરી રહી હતી, જોકે તેની સુંદરતાના ચાહકો તો બધેજ છે. 1994માં મિસ વર્લ્ડનો તાજ જીતનારી આ અભિનેત્રીએ કારકિર્દીમાં ઘણી હીટ ફિલ્મો આપી છે. જોકે લગ્ન અને એક પુત્રીની માતા બનતા ઐશ્વર્યાએ વચ્ચે બ્રેક લીધો હતો. છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. ચાર વર્ષના લાંબા અંતરાલ પછી ધમાકેદાર કમબેક કરતા સાબિત કરી દીધું કે આજે પણ તે લોકોના દિલોમાં રાજ કરે છે.
આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી બ્યુટી વિથ બ્રેઈનનું કોમ્બિનેશન ધરાવતી આ અભિનેત્રીએ સેકન્ડ ઈનિંગમાં ઉમદા અભિનય કરી દર્શકોની વાહવાહી મેળવી છે. તેની ફિલ્મ ‘પેન્નીયિન સેલવાન-1’નું બોક્ષ ઓફિસ પર કલેક્શન અંદાજે રૂ. 500 કરોડનું હતું, જ્યારે તેની ‘પેન્નીયિન સેલવાન-2’ની કમાણી રૂ. 350 કરોડે પહોંચી હતી.
અક્ષય કુમાર
‘OMG’ નું કલેક્શન 250 કરોડ છે અે હવે તેની ‘મિશન રાણીગંજ’નું એડવાન્સ બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે.
કોમેડી હોય, એક્શન હોય કે પછી કોઈ ઐતિહાસિક ફિલ્મ જ કેમ ના હોય, અક્ષયકુમારે હંમેશા શ્રેષ્ઠ કામ કર્યું છે. અક્ષયકુમાર ધીમી પણ મક્કમ ગતિનો ખિલાડી છે. તેણે તેની ફિલ્મી યાત્રામાં ઘણી ફિલ્મો કરી અને દર્શકોનો પ્રેમ મળવ્યો. આજે પણ તે વરુણ ધન અને વિકી કૌશલની સરખામણીએ ઘણો ફિટ એન્ડ ફાઇન લાગે છે. તેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘OMG-2’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે. આ ઉપરાંત તેની પાસે ઘણી મોટી ફિલ્મો પણ છે, જે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ એક્શન ખિલાડી ફિલ્મોમાં જે રીતે સ્ટન્ટ સીન કરે છે તે જોઈને તો નવોદિત અભિનેતાઓને પણ પરસેવો છૂટી જાય છે.
રાની મુખર્જી
કારકિર્દીમાં કોમેડીથી લઇને ગંભીર રોલ ભજવનાર રાની મુખર્જીનો એક અલગ જ અંદાજ છે. ‘રાજા કી આયેગી બારાત’ (1996)થી લઈને ‘મર્દાની’ (2019) સુધીની સફરમાં અનેક હીટ ફિલ્મો આપી ચૂકેલી રાની મુખર્જી થોડા વિરામ પછી ફરીથી ‘બંટી ઓર બબલી’ (2021)માં બિન્દાસ અંદાજમાં જોવા મળી હતી અને આ જ વર્ષમાં તેણે ‘મિસીઝ ચેટર્જી વર્સસ નોર્વે’ ફિલ્મથી એકવાર ફરી તેણે તેના ધાકડ અંદાજથી દર્શકોને ખુશ કર્યા છે. ટૂંકમાં કહીએ તો ગમે તેટલા કલાકારો આવે અને જાય પણ રાની મુખર્જી જેવા કેટલાક કલાકારો છે જેમણે વર્ષો પછી પણ સંપૂર્ણ ઊર્જા સાથે કાર્યરત રહીને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બરકરાર રાખ્યું છે. તેની ‘મિસિઝ ચેટર્જી વર્સસ નોર્વે’ ફિલ્મે બોક્ષ ઓફિસ પર રૂ. 38 કરોડની કમાણી કરી હતી.

LEAVE A REPLY