
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આરએસએસના શતાબ્દી સમારોહની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દરેક ભારતીય દંપતીને 3 બાળકો પેદા કરવા જોઇએ. નિષ્ણાતો કહે છે કે ત્રણ કરતા ઓછા જન્મ દર ધરાવતા સમુદાયો ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે. તેથી ત્રણથી વધુ જન્મ દર જાળવી રાખવો જોઈએ. સમુદાયના લુપ્ત થતો રોકવા અને રાષ્ટ્રીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આવો ટકાઉ પ્રજનન દર જાળવી રાખવો જરૂરી છે. ડોક્ટરોએ મને કહ્યું છે કે યોગ્ય ઉંમરે લગ્ન કરવાથી અને ત્રણ બાળકો થવાથી માતાપિતા અને બાળકો બંને સ્વસ્થ રહે છે. ત્રણ ભાઈ-બહેનોવાળા ઘરોમાં બાળકો પણ અહંકાર પર કાબુ મેળવતા શીખે છે અને ભવિષ્યમાં તેમના કૌટુંબિક જીવનમાં કોઈ ખલેલ પહોંચતી નથી.
ભાજપ સાથે મતભેદો હોવાની અટકળોને ફગાવી દેતા કેન્દ્રમાં અને ભાજપ દ્વારા શાસિત રાજ્યોમાં RSS અને ભાજપ સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી. ભાજપમાં પ્રમુખ સહિતની તમામ બાબતોનો નિર્ણય સંઘ પ્રેરિત હોવાની માન્યતાને પણ તેમને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઇએ તેવું તેમણે સૂચન કર્યું હોવાની બાબતને પણ તેમને નકારી કાઢી હતી. આની સાથે RSSની સૌમ્ય અને આધુનિક છબી રજૂ કરતા ભાગવતે કહ્યું હતું કે ભારતમાં ઇસ્લામનું હંમેશા સ્થાન રહેશે.
તેમણે જણાવ્યું હતું કે ‘શાખા’ કેવી રીતે ચલાવવી તે સંઘ જાણે છે અને સરકાર કેવી રીતે ચલાવવી તે ભાજપ જાણે છે અને તેઓ ફક્ત એકબીજાને સૂચનો આપે છે. ભાજપને સૂચનો કરવામાં આવે છે અને નિર્ણય તે પોતે કરે છે. ભાજપના નવા પ્રમુખ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે નિર્ણય લેતા નથી. જો અમે નિર્ણય કરતાં હોય, તો શું આટલો સમય લાગત?
પ્રશ્નોતરી સત્રમાં ભાગવતે મનુસ્મૃતિથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટેરિફથી લઈને જાતિ, શિક્ષણ, દેશભક્તિ, રાષ્ટ્રીય ભાષા, ભાગલા, મુસ્લિમો પરના હુમલા સુધીના પ્રશ્નોના જવાબ આપ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્ટેમ્બરમાં 75 વર્ષના થાય ત્યારે નિવૃત્તિ લેવી જોઈએ તેવું તેમને સૂચન કર્યું હોવાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે મેં ક્યારેય કહ્યું નથી કે મારે કે બીજા કોઈએ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં ભાગવત પોતે પણ 75 વર્ષના થશે.
કાશી અને મથુરા માટે અયોધ્યા જેવું આંદોલન ચલાવવાની હાકલ વચ્ચે ભાગવતે કહ્યું હતું કે રામ મંદિર એકમાત્ર એવું આંદોલન હતું, જેમાં RSS સામેલ થયું હતું અને તેને તેના નિષ્કર્ષ પર પહોંચાડ્યું હતું અને તે અન્ય કોઈ આંદોલનમાં જોડાશે નહીં. જોકે કાશી, મથુરા અને અયોધ્યા હિન્દુઓ માટે મહત્વપૂર્ણ છે અને જો તેઓ વિનંતી કરશે, તો અમારા સ્વયંસેવકો તેમના આંદોલનોમાં જોડાઈ શકે છે.
અમેરિકાની 50 ટકા ટેરિફ અંગે ભાગવતે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર જરૂરી છે, પરંતુ દબાણ હેઠળ કોઈ મિત્રતા ન હોઈ શકે. અમે સરકારને ટ્રમ્પ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે કહેતા નથી. તેઓ જાણે છે કે શું કરવું અને અમે તેનું સમર્થન કરીશું. RSS સ્વદેશી અને આત્મનિર્ભરતામાં માને છે.
અનામત અને જાતિ પ્રથા અંગે તેમણે જણાવ્યું હતું કે RSS બંધારણમાં જોગવાઈ કરાઈ છે તેવી અનામત નીતિને સંપૂર્ણ સમર્થન આપે છે અને જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી તેનું સમર્થન કરશે. જાતિ પ્રથાની આજે કોઈ સુસંગતતા નથી. જાતિ હવે કોઈ વ્યવસ્થા નથી. તે જૂની થઈ ગઈ છે, અને તે નાબૂદ થવી જોઇએ.
