. (ANI Photo)

વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત એકમના પ્રમુખ સી આર પાટીલ રાજ્ય વિધાનસભા સંકુલમાં ગયા હતાં. તેમણે રિટર્નિંગ ઓફિસર રીટા મહેતાને ઉમેદવારી પત્રો સબમિટ કર્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ છે. આ ચૂંટણી માટે 24 જુલાઈએ મતદાન યોજાશે. ચાર વર્ષ પહેલાં, જયશંકરે રાજ્યસભા માટે ગુજરાતમાંથી પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. તેમાંથી આઠ ભાજપ પાસે છે, જ્યારે બાકીની કોંગ્રેસ પાસે છે.

ભાજપ પાસે જે આઠ બેઠકો છે તેમાંથી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાની મુદત 18 ઓગસ્ટે પૂરી થશે. આ ત્રણ બેઠકો માટે મતદાન યોજાશે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે તે ગુજરાતમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે માટે ઉમેદવારો ઉભા રાખશે નહીં, કારણ કે તેની પાસે 182 સભ્યોની રાજ્ય વિધાનસભામાં પૂરતા ધારાસભ્યો નથી. ગયા વર્ષના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર 17 બેઠકો મેળવીને રાજ્યની રચના થઈ ત્યારથી સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.

વિદેશપ્રધાન એસ. જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રત્યેક ઉમેદવારને 60.66 મત એટલે કે 62 મતની જરૂરિયાત છે. ભાજપના ઉમેદવારને જીત મેળવવા માટે ભાજપના 52 ધારાસભ્યોના મતની જરૂરિયાત છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 17 છે ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભા નથી રાખવાના તેવા સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

LEAVE A REPLY