ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) 2017માં એક ભારતીય મહિલા અને તેના છ વર્ષના પુત્રની હત્યામાં કથિત સંડોવણી માટે વોન્ટેડ જાહેર કરાયેલા ભારતીય નાગરિક વિશે માહિતી આપનારને 50,000 ડોલર સુધીના ઇનામની જાહેરાત કરી છે. અધિકારીઓએ ભારત સરકારને શંકાસ્પદ વ્યક્તિનું પ્રત્યાર્પણ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
૩૮ વર્ષીય નઝીર હમીદ પર માર્ચ ૨૦૧૭માં ન્યુ જર્સીના મેપલ શેડમાં એક એપાર્ટમેન્ટમાં ૩૮ વર્ષીય શશિકલા નારા અને તેના પુત્ર અનિશ નારાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે હત્યાના છ મહિના પછી હમીદ ભારત પાછો ફર્યો હતો અને આજે પણ ત્યાં જ રહે છે.બર્લિંગ્ટન કાઉન્ટી પ્રોસિક્યુટર્સ ઓફિસ (BCPO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હત્યાઓની તપાસ દરમિયાન તે પીડિતોના પતિ અને પિતાનો પીછો કરતો હોવાનું બહાર આવ્યા પછી તેને શંકાસ્પદ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યો હતો.
હમીદની ધરપકડ માટે વોરંટ જારી કરાયું છે. FBI હમીદની ધરપકડ અથવા દોષિત ઠેરવવા માટેની માહિતી માટે USD 50,000 સુધીનું ઇનામ ઓફર કરી રહી છે. હમીદ વિશેની માહિતી FBIની મોસ્ટ વોન્ટેડ વેબસાઇટ પર અપાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. આગળનું પગલું હમીદને કાર્યવાહીનો સામનો કરવા માટે અમેરિકા લાવવાનો છે.














