ANI Photo)

આ ફિલ્મની કથામાં અનેક તબક્કા છે. ફિલ્મની શરૂઆત મુંબઈ મેટ્રોના હાઈજેકિંગથી થાય છે. જ્યાં આઝાદ વેશ બદલીને પોતાની ગર્લ ગેંગ લક્ષ્મી (પ્રિયમણી), ઈરમ (સાન્યા મલ્હોત્રા), હેલના (સંજીતા ભટ્ટાચાર્ય), આલિયા કુરેશી અને લહર ખાન સાથે મળીને કામ કરે છે.

ગર્લગેંગની આ બધી જ યુવતીઓનો ભૂતકાળ પીડાદાયક રહ્યો છે અને તેથી જ તેઓ આઝાદનો સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં વિલન લાગતો આઝાદ હકીકતે તો રોબિનહૂડ છે અને તે કાળી કરતૂતો કરતાં વ્હાઈટકોલર બિઝનેસમેન કાલી ગાયકવાડ (વિજય સેતુપતિ) પાસેથી ખંડણી પેટે એક મોટી રકમ માગે છે. આ રકમ દેવામાં ડૂબેલા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવે છે. આ ખેડૂતો બેંકના દેવામાં ડૂબેલા હોવાના લીધે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા.

કાલી એટલા માટે રૂપિયા આપવા તૈયાર થાય છે કારણકે મેટ્રોમાં તેની પુત્રી પણ હતી. સીસ્ટમથી પરેશાન પીડિત સામાન્ય જનતાનો મસીહા આઝાદ આટલેથી જ નથી અટકતો. તે પોતાની બહાદુર યુવતીઓના ટોળા સાથે મળીને આરોગ્ય પ્રધાનનું અપહરણ કરે છે અને સરકારી હોસ્પિટલોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને દુર્દશાનો પર્દાફાશ કરે છે અને પાંચ કલાકમાં તેમાં સુધારા પણ કરાવે છે.

આઝાદની અસલિયત શોધીને તેને પકડવા માટે પોલીસ ચીફ નર્મદા (નયનતારા)ની નિમણૂક કરવામાં આવે છે. નર્મદા  આઝાદને પકડવા માટે તનતોડ મહેનત કરે છે, અંતે એ જ તેની સાથે લગ્ન કરીને તેની દીકરીને અપનાવવાની પહેલ કરે છે. લગ્નના દિવસે જ નર્મદાને આઝાદની હકીકત ખબર પડે છે. આઝાદની અન્ય કહાની પણ છે. તે સેનામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં ફરજ બજાવનારા બહાદુર દેશભક્ત વિક્રમ રાઠોડનો પુત્ર છે.

30 વર્ષ અગાઉ વિક્રમે એક મિશન દરમિયાન બિઝનેસમેન કાલીના હથિયાર કૌભાંડની પોલ ખોલી હતી ત્યારે કાલી વિક્રમને દેશદ્રોહી સાબિત કરીને મોતને ઘાટ ઉતારે છે. વિક્રમની પત્ની ઐશ્વર્યા (દીપિકા પાદુકોણ)ને ફાંસીની સજા આપવામાં આવે છે.

જોકે, વિક્રમ મોતના મુખમાંથી બચી જાય છે પણ તેની યાદશક્તિ ગુમાવી બેસે છે. ઐશ્વર્યા પોતાના પાંચ વર્ષના પુત્ર આઝાદને મરતી વખતે જણાવે છે કે, તેનો પિતા દેશદ્રોહી નહીં પણ દેશભક્ત હતો. આઝાદનો ઉછેર તેની માતા જેવી રિદ્ધિ ડોગરા કરે છે અને ભીલવાડા જેલનો જેલર બનાવે છે. શું આઝાદ પિતાને દેશભક્ત સાબિત કરીને પોતાની માતાનો મોતનો બદલો લઈ શકશે? વિક્રમની યાદશક્તિ પાછી આવશે? આઝાદ રોબિનહૂડ બનીને ગરીબ અને સિસ્ટમથી ત્રસ્ત લોકોની મદદ કરવાનું જાળવી રાખશે? આ તમામ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે ફિલ્મ જોવી રહી.

LEAVE A REPLY