ફાઇલ ફોટો (Photo by Matt Winkelmeyer/Getty Images for iHeartRadio)

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટ માટે ભારતીય ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં 18-19 જાન્યુઆરીએ ડીવાય પાટિલ સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે યોજનારા આ બેન્ડના શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ચાહકો નિરાશ થયા હતાં. બીજી તરફ એવી અટકળોને વેગ મળ્યો હતો કે ક્રિસ માર્ટિન અને તેનું બેન્ડ 25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ કોન્સર્ટ કરશે. જોકે આ અહેવાલને કોઇ પુષ્ટી મળી ન હતી.

મુંબઈ કોન્સર્ટ માટે 22 સપ્ટેમ્બરે ટિકિટોનું વેચાણ ચાલુ થયું હતું અને 30 મિનિટમાં જ બંધ થઈ ગયું હતું. ટિકિટની માંગ એટલી હતી કે ટિકિટ સેલિંગ પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયું હતું. ટિકિટોના કાળાબજાર ચાલુ થયા હતા અને નકલી ટિકિટો સામે લોકોને સાવધ રહેવાની પણ અપીલ કરાઈ હતી. નવી મુંબઈમાં કોન્સર્ટના સ્થળના 20 કિલોમીટર સુધીની હોટેલોના ભાડા થ્રી નાઇટ માટે વધીને રૂ.5 લાખ થયા હતાં.

કોલ્ડપ્લેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.
આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા લોકોએ ટિકિટ માટે પડાપડી કરી હતી. કોલ્ડપ્લે બેન્ડના શોની શરૂઆતમાં ટિકિટની કિંમત રૂ.2,000થી રૂ.35,000ની વચ્ચે હતી. ₹12,500ની ટિકિટ ₹3.36 લાખથી વધુમાં વેચાઈ રહી હતી, જ્યારે સ્ટેન્ડિંગ ટિકિટ, જેની મૂળ કિંમત ₹6,450 હતી, તે ₹50,000 સુધી વેચાઈ રહી હતી. અમુક પ્લેટફોર્મમાં તો ટિકિટની કિંમત રૂ. 10 લાખ પણ બતાવતા હતા. જો ટિકિટના વેઈટીંગની વાત કરવામાં આવે તો 21 તારીખના બુકિંગમાં વેઈટીંગ 99 લાખથી વધુ સુધી પહોંચી ગયું હતું.

 

LEAVE A REPLY