પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ નિયુક્ત કરાયેલી અમદાવાદ ખાતેની ખાસ અદાલતે ભુજ (કચ્છ)ના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર પ્રદીપ નિરંકારનાથ શર્માને તેમના કાર્યકાળ દરમિયાન જમીન ફાળવણી કૌભાંડમાં સંડોવણી બદલ દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધારાની ત્રણ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.
આ કેસ 2003થી 2006ના સમયગાળાનો છે. તે સમયે પ્રદીપ શર્મા જિલ્લા જમીન કિંમત સમિતિ (DLPC)ના વડા હતાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનુસાર તેમણે કથિત રીતે અંજાર તાલુકાના વર્ષમેડી ગામમાં સરકારી જમીનના અનેક ટુકડાઓ વેલ્સ્પન ઇન્ડિયા અને તેની ગ્રુપ કંપનીઓને સરકાર દ્વારા મંજૂર કરાયેલા ધોરણો કરતા ઓછા દરે મંજૂર કરવા માટે તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો. આ ઓછા મૂલ્યાંકનથી રાજ્યના ખજાનાને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું અને કથિત રીતે 1.20 કરોડ રૂપિયાથી વધુ ગુનાની આવક થઈ હતી.કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પ્રદીપ શર્મા જામીન પર બહાર હતાં. કોર્ટે તેમને હાજર થવાનો હુકમ કર્યો હતો.












