લેસ્ટરના બેલગ્રેવના ગોલ્ડન માઇલ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવા માટે કરવામાં આવેલી ઓનલાઈન પીટીશનમાં લગભગ 6,000 લોકોએ સહિઓ કરીને આ અભિયાનને ટેકો આપ્યા બાદ લેસ્ટર સિટી કાઉન્સિલે આ અંગે વિચારણા કરશે એમ જણાવ્યું છે. બીજી તરફ અહિંસાના પૂજારી અને ભારત તથા દક્ષિણ આફ્રિકામાં સ્વાતંત્ર્ય માટે અહિંસક આંદોલન કરનાર ગાંધીજીની પ્રતિમાને દૂર કરવાના અભિયાન સામે વ્યાપક આક્રોશ ફેલાયો છે.

બ્રિટિશ કોલોનીયલ રૂલ સામેના અહિંસક પ્રતિકાર માટે પ્રખ્યાત ભારતીય રાષ્ટ્રવાદી અને નાગરિક અધિકાર નેતા મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાનુ અનાવરણ વર્ષ 2009માં બેલગ્રેવ રોડ ખાતે સ્વ. પૂ. શ્રી સત્યમિત્રાનંદ ગુરૂજીના સાન્નિધ્યમાં સમન્વય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને હટાવવા માટે સંખ્યાબંધ નિષ્ફળ અરજીઓ કરવામાં આવી હતી. ડર્બીની કેરી પેંગુલિઅરે તા. 1 જુનના રોજ કરેલી change.org પરની પીટીશનમાં ગાંધીજીને “ફાસીસ્ટ, રેસીસ્ટ અને સેક્સ્યુઅલ પ્રિડેટર ગણાવ્યા હતા અને જાન્યુઆરી, 1948માં હત્યા કરાઇ તે પહેલા ભારતના ભાગલા દરમિયાન લાખો લોકોને “અસંગત વેદના” લાવી હતી’’ એમ જણાવ્યું હતું.

પેંગુલિઅરે જણાવ્યું હતું કે ‘’પખવાડિયાથી ઓછા સમયમાં 5,000 સહીઓના લક્ષ્યાંકને પસાર કર્યા પછી લેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા તેમનો સંપર્ક કરી મને અરજી બંધ કરવાની અને વિધિવત રજૂઆત કરવાની વિનંતી કરી હતી. હું દ્રઢપણે માનું છું કે, શું યોગ્ય છે તેની હિમાયત થવી મહત્વપૂર્ણ છે, પછી ભલે તે સિસ્ટમની વિરુદ્ધ હોવાનો અર્થ કાઢવામાં આવે.’’ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ‘’આ અરજીને શહેરની શેરીઓના નામ, પ્રતિમાઓ અને સ્મારકોની સંદર્ભ, સુસંગતતા અને યોગ્યતા વિશેની વ્યાપક વાતચીતના એક ભાગ તરીકે વિચારણા કરશે.

ગાંધી પ્રતિમાના અનાવરણ સમારોહમાં ઉપસ્થિત રહેલા ભારતીય મૂળના લેસ્ટરના પૂર્વ સાંસદ કીથ વાઝે પ્રતિમાને હટાવવાની હાકલનો સખ્ત વિરોધ કરી ગાંધીજીને “ઇતિહાસના સર્વશ્રેષ્ઠ શાંતિ નિર્માતા” તરીકે વર્ણવી પ્રતિમાને હટાવવાના પ્રયાસોની નિંદા કરી છે.

તેમણે કહ્યું હતું કે ‘’હું વ્યક્તિગત રીતે ગાંધીજીની પ્રતિમાની રક્ષા કરીશ. જો તેને હટાવવાનો કોઈ પ્રયાસ કરશે તો હું તેનો બચાવ કરવા ત્યાં હાજર રહીશ. આ એક ભયાનક પિટિશન છે જે લેસ્ટર અને દેશમાં સમુદાયોને વિભાજિત કરવા માગે છે. આ કાર્યને સમર્થન આપતા લોકો સારી રીતે જાણે છે કે તેઓ જેની માંગણી કરે છે તેના પરિણામો કેવા આવશે. લેસ્ટર અને લંડનમાં આવેલી ગાંધીજીની મૂર્તિઓ શાંતિ, સંવાદિતા અને અહિંસા માટેની પ્રેરણા છે. આવી માંગ કરવી તે ખૂબ જ શરમજનક છે. મહાત્મા ગાંધીએ માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મેન્ડેલાને પ્રેરણા આપી હતી. પ્રતિમા જ્યાં છે ત્યાં જ રહેશે.’’

ગયા વર્ષ સુધી લેસ્ટરના સૌથી લાંબા સમય સુધી સંસદ સભ્ય રહેલા કીથ વાઝે આ અરજી પાછી ખેંચી લેવાની અથવા તેના આયોજકોને વંશીય તિરસ્કાર ભડકાવવા માટે પોલીસ તપાસનો સામનો કરવા તૈયાર રહેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોલીસ સમક્ષ અરજીને “જાતિગત તિરસ્કાર પ્રેરિત કરે છે કે કેમ તે અંગે વિચારણા કરવા જણાવીશ. આપણે વંશીય સમાનતા પર “લાંબી રસ્તો” પૂરો કર્યો હોવા છતા હજુ સ્પષ્ટ રીતે આગળ જવા માટે લાંબી મજલ બાકી છે”.

ગાંધીજીની પ્રતિમાને બચાવવા માટે કિથ વાઝ, સ્થાનિક કાઉન્સિલર્સ અને રહેવાસીઓએ પ્રતિમાની ચારેય તરફે શ્વેત રીબન સાથે રીંગ રચી હતી. વાઝ 2009માં બેલગ્રેવ રોડ સ્થિત પૂતળાનું તત્કાલીન હોમ સેક્રેટરી એલન જ્હોન્સન દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કોલકાતાના કલાકાર ગૌતમ પાલ દ્વારા આ કાંસ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

ભૂતકાળમાં, ગાંધીની પ્રતિમાને હટાવવાની અરજીઓ નિષ્ફળ રહી છે. ગાંધીજીની પહેલી પ્રતિમા લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે, બીજી પ્રતિમા લેસ્ટરમાં, તે પછી બર્મિંગહામ, લંડનના પાર્લામેન્ટ સ્કવેકર ખાતે, કાર્ડીફમાં અને છઠ્ઠી પ્રતિમાનું માન્ચેસ્ટરમાં 2019માં અનાવરણ કરવામાં આવ્યું હતું.

બ્લેક લાઇવ્સ મેટર વિરોધીઓ દ્વારા બ્રિટીશ અને કોલોનિયલ ઇતિહાસમાં વિવાદિત વ્યક્તિઓની યાદમાં ઉભી કરાયેલી અનેક પ્રતિમાઓએ ધ્યાન આકર્ષિત કર્યું હતું. જે અંતર્ગત 17મી સદીના ગુલામોના વેપારી અને બિઝનેસમેન, સખાવતી એડવર્ડ કોલસ્ટનની પ્રતિમાને બ્રિસ્ટોલમાં 7 જૂને ધ્વંસ્ત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં તા. 7 જૂન, 2020ના રોજ ગાંધી પ્રતિમાને તાજેતરના બ્લેક લાઇવ્સ મેટર્સ પ્રદર્શન દરમિયાન નિશાન બનાવવામાં આવી હતી. યુ.એસ.માં પણ, બ્લેક લાઈવ્સ મેટર વિરોધ પ્રદર્શન દરમિયાન તાજેતરમાં ભારત દૂતાવાસ નજીક ગાંધીજીની પ્રતિમાને નુકશાન કરવામાં આવ્યું હતું.