કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવાર (30 જાન્યુઆરી)એ મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતુ. (ANI Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવાર (30 જાન્યુઆરી)એ મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતુ. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુનઃ સ્થાપના માટે આજે પણ મહત્વના છે.

આ પ્રસંગે સરકારના MSME પ્રધાન નારાયણ રાણે સહિત કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્યો વગેરે સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.રિવરફ્રંટ હાઉસ ખાતે ગાંધીજીનું ભીંતચિત્ર હસ્ત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ભીંતચિત્ર કુલ 2975 કુલડીઓમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે લોકોને સંબોધતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટી બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી-સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

અમિત શાહે લોકોને માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખવા અપીલ કરી હતી. લોકોને ખાદીની ખરીદી કરવા માટે પણ અપીલ કરી હતી. ખાદીનું શું મહત્વ છે એના પર પણ ચર્ચા કરી હતી. તો આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, ભારત સરકારના ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રી કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલું બાપુનું ભીંતચિત્ર ગાંધી નિર્વાણ દિને પૂજ્ય બાપૂને ભાવભરી શ્રદ્ધાંજલિ છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભીંતચિત્ર 75 હસ્તકલાના કારીગરો દ્વારા 2975 કુલડીમાંથી તૈયાર થયુ છે.