ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ યાત્રાધામ-બદ્રિનાથ મંદિરના કપાટ શિયાળામાં બંધ કર્યા પછી ભક્તો માટે હવે ફરીથી 23 એપ્રિલે ખોલાશે. શ્રી બદ્રીનાથ–કેદારનાથ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, વસંત પંચમીના અવસર પર ટેહરી જિલ્લાના નરેન્દ્રનગર સ્થિત ટેહરી રાજમહેલમાં પરંપરાગત પ્રાર્થના અને વિધિ બાદ મંદિરના કપાટ પુનઃખુલવાના મુહૂર્તની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ દરમિયાન મહારાજા મનુજેન્દ્ર શાહ, રાજપુરોહિત આચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલ અને અન્ય મહાનુભાવોએ પંચાંગ તથા મહારાજાની કુંડળીના આધારે જાહેરાત કરી હતી કે મંદિરના દ્વાર 23 એપ્રિલે સવારે 6:15 વાગ્યે ખુલશે. આ વિધિ દરમિયાન ટેહરીની મહારાણી તથા ટેહરી ગઢવાલથી લોકસભા સાંસદ માલા રાજ્યા લક્ષ્મી શાહ, બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી રાવલ અમરનાથ નામ્બૂદિરી, મંદિર સમિતિના અધિકારીઓ અને અનેક તીર્થપુરોહિતો હાજર રહ્યા હતા. જ્યારે અન્ય બે ધામ- ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ અખાત્રીજના અવસરે 19 એપ્રિલે ફરી ખોલાશે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રિએ જાહેર કરાશે.













