
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની ટી20 વર્લ્ડ કપ 2026માંથી હકાલપટ્ટી કરી છે. શનિવારે ICCએ એક સત્તાવાર પત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને અને ખેલાડીઓને મોટું નાણાકીય નુકસાન થઇ શકે છે. આ વિવાદ 4 જાન્યુઆરીથી ચાલી રહ્યો હતો. આ અંગે ICCએ બોર્ડને સત્તાવાર રીતે જાણ કરી હતી કે તેમને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને સ્કોટલેન્ડની ટીમને સામેલ કરાશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના બોર્ડે સુરક્ષા કારણોસર ટી20 વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે જવાનો ઇનકાર કર્યો હતો. ટીમના સભ્ય મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી બહાર કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મુદ્દો ઊભો થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ICC ચેરમેન જય શાહ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ શુક્રવારે દુબઈમાં હતા અને મોડી સાંજે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ અમીનુલ ઇસ્લામ બુલબુલને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશના બોર્ડે ભારત જવાના નિર્ણય અંગે અપાયેલી 24 કલાકની મુદ્દતમાં કાઉન્સિલને સત્તાવાર રીતે જવાબ આપ્યો ન હોવાથી આ નિર્ણય લેવાયો હતો.’
આ નિર્ણયને કારણે BCBને અંદાજે 27 મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત લાઇવ ટેલિકાસ્ટ અને જાહેરાતોમાંથી થતી આવકનું નુકસાન પણ ઉમેરવામાં આવે તો આ વર્ષે બોર્ડની કુલ આવકમાં લગભગ 60 ટકા અથવા તેથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ નિર્ણય પછી ભારત પણ ઓગસ્ટ–સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાથી ઇનકાર કરી શકે છે. જો ભારત ટુર્નામેન્ટ રમવા ન જાય તો તેનાથી બોર્ડને વધુ મોટું નુકસાન થવાની સંભાવના છે.












