(Source: Royal Mint UK)

ઇન્ડિયાનો સોફ્ટ પાવર કેટલો ઉંચો છે તેનું ઉદાહરણ આપતા યુકે રોયલ મિન્ટે આ દિવાળીમાં હિન્દુઓના આરાધ્ય દેવી લક્ષ્મીજીનો ગોલ્ડ બાર વેચવાનું નક્કી કર્યું છે. યુકે રોયલ મિન્ટની આ પ્રથમ બુલિયન બાર રેન્જ હશે જેનું વેચાણ મંગળવારથી થઇ રહ્યું છે.

20 ગ્રામ સોનાના “લક્ષ્મી” બાર પર લક્ષ્મીજીની છાપ કોતરેલી હશે અને તેને રોયલ મિન્ટ ડિઝાઇનર એમ્મા નોબલે ડિઝાઇન કરી છે. તેની જટિલ ડિઝાઇન માટે કાર્ડિફના શ્રી સ્વામિનારાયણ મંદિર સાથે ગાઢ સહયોગ કરાયો હતો. આ બાર £1,080 પાઉન્ડમાં છૂટક વેચાણ માટે મૂકાશે. રોયલ મિન્ટ દેશમાં વિવિધતા લાવવા અને સૌ કોઇનો સમાવેશ કરવા તથા દેશમાં વિવિધ સાંસ્કૃતિક ઉજવણીના વિસ્તરણ માટે તેની ચાલુ પ્રતિબદ્ધતાને આમ કરીને પ્રતિબિંબિત કરે છે.

રોયલ મિન્ટમાં પ્રિસીયસ મેટલના વિભાગીય નિયામક એન્ડ્રુ ડિકીએ જણાવ્યું હતું કે, ‘’દિવાળીના તહેવાર દરમિયાન સોનાની ખરીદી પરંપરાગત અને શુભ ભેટ હોવાથી, અમે સૌંદર્ય અને પરંપરા બંનેને સમાવતું કશુંક વિકસાવવા માંગતા હતા. લક્ષ્મી બાર આનું એક ઝળહળતું ઉદાહરણ છે. અમે કાર્ડિફના શ્રી સ્વામિનારાયણ મંદિરના નિલેશ કાબરિયા સાથે કામ કરીને આનંદ અનુભવીએ છીએ કે અમે હિંદુ દેવી લક્ષ્મીજીનું સચોટ અને યોગ્ય પ્રતિનિધિત્વ કરીએ છીએ.”

આ બાર સત્તાવાર રોયલ મિન્ટ વેબસાઇટ પરથી ખરીદી શકાશે અને તેના પેકેજિંગ પર ‘ઓમ’નું પ્રતીક છે. શ્રી સ્વામિનારાયણ મંદિરના દિવાળી સમારોહમાં આ બુલિયન બારને પણ આશીર્વાદ આપવામાં આવશે. મંદિરના “લક્ષ્મી પૂજન”ના ભાગરૂપે, 4 નવેમ્બરે રોયલ મિન્ટના પ્રતિનિધિઓ હાજરી આપશે.

મંદિરના નિલેશ કાબરિયાએ કહ્યું હતું કે ‘’આ બાર લક્ષ્મીજીના ચાર હાથ દર્શાવે છે જે માનવતાના ચાર લક્ષ્યો ધર્મ (નૈતિક, નૈતિક જીવનની શોધ), અર્થ (સંપત્તિની શોધ, જીવનના સાધન), કામ (પ્રેમની શોધ, ભાવનાત્મક પરિપૂર્ણતા) અને મોક્ષ (આત્મજ્ઞાની શોધ, મુક્તિ)નું પ્રતીક છે જેને હિન્દુ ધર્મમાં સારા માનવામાં આવે છે.

રોયલ મિન્ટ બ્રિટનમાં બુલિયન સિક્કાના સૌથી મોટા ઉત્પાદક તરીકે યુકેમાં જાણીતું છે. બાર અને સિક્કાઓના રૂપમાં ભૌતિક ધાતુના રોકાણ સાથે રોયલ મિન્ટ ડિજિટલ રોકાણના વિકલ્પોની શ્રેણી પણ આપે છે.