ઇન્ડિગો
(ANI Photo/Naveen Sharma)

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની અભૂતપૂર્વ કટોકટી પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની બે નવી એરલાઇન્સને મંજૂરી આપી છે. આ બંને એરલાઇન્સ આગામી વર્ષથી કાર્યરત બનશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સ્થિત શંખ એર પણ 2026માં વિમાન સેવા ચાલુ કરે તેવી ધારણા છે. આ બે નવી એરલાઇન્સથી બજારમાં ઇન્ડિગોના વર્ચસ્વ સામે પડકાર ઊભો થશે. ઇન્ડિગો હાલમાં દેશના એવિયેશન ક્ષેત્રમાં 65 ટકા બજારહિસ્સો ધરાવે છે.

શંખ એરને પહેલાથી જ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય આકાશમાં ઉડાન ભરવાની ઇચ્છા રાખતી નવી એરલાઇન્સ શંખ એર, અલ હિન્દ એર અને ફ્લાયએક્સપ્રેસની ટીમો સાથે મુલાકાત કરી હતી. શંખ એરને અગાઉ મંત્રાલયે NOC આપ્યું હતું, જ્યારે અલ હિન્દ એર અને ફ્લાયએક્સપ્રેસને આ સપ્તાહે NOC આપવામાં આવ્યાં હતાં.

ઇન્ડિગોની કટોકટીને પગલે દેશમાં વિમાન યાત્રા ઠપ થઈ હતી, તેથી સરકાર આ ક્ષેત્રમાં વધુ એરલાઇન્સ લાવવા માગે છે. હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આશરે 90 ટકા બજારહિસ્સો ધરાવે છે.
આ મહિનાની શરૂઆતમાં નબળા સ્ટાફ પ્લાનિંગને કારણે ઇન્ડિગોએ લગભગ 4,500 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. તેના કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતાં, ઘણા વિશ્લેષકોએ સરકારને વધુ કંપનીઓને મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો.

નવી બંને એરલાઇન પ્રાદેશિક કનેક્ટિવિટીને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અલ હિંદ એરના પ્રમોટર કેરળ સ્થિત અલહિંદ ગ્રુપ છે. અલ હિંદ એર રિજનલ કોમ્યુટર એરલાઇન તરીકે પદાર્પણ કરશે. કોચીમાં હબ સાથે અલહિન્દ એર તેના ઓપરેશનલ બેઝના સેટઅપ માટે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) સાથે સહયોગ કરી કરી રહી છે.

નાયડુએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની નીતિઓને કારણે ભારતનો વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારો સમાવેશ થાય છે અને મંત્રાલય વધુ એરલાઇન્સને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. UDAN જેવી યોજનાઓએ સ્ટાર એર, ઇન્ડિયા વન એર, ફ્લાય91 અને બીજી નાની એરલાઇન્સ દેશમાં પ્રાદેશિક જોડાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.

LEAVE A REPLY