(PTI Photo)

એક જમાનાના ચોકલેટી હીરો અને ભૂતપૂર્વ સાંસદ ગોવિંદાનું કહેવું છે કે, તે આજે સ્ટાર છે તો તેનો શ્રેય સ્વ. બપ્પી લાહિરીને જાય છે. ગોવિંદા તાજેતરમાં જ સોની ટીવી પર આવતા ‘સુપરસ્ટાર સિંગર 2’માં જોવા મળ્યો હતો. આ શોમાં ગોવિંદા અને ચંકી સ્પેશ્યલ એપિસોડ બનાવવામાં આવ્યો છે.

ગોવિંદા અને ચંકી પાન્ડેએ એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સની મજા માણી હતી. રિતુરાજ અને હર્ષિતાએ ‘ઓ લાલ દુપટ્ટે વાલી’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત સાંભળીને પહેલાંના સમયને યાદ કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘હું ‘સુપરસ્ટાર સિંગર 2’ના સ્ટેજનો ઉપયોગ સ્વર્ગીય બપ્પીદાનો આભાર માનવા માટે કરી રહ્યો છું, કારણ કે તેમના વગર મારી સફર શક્ય નહોતી. હું આજે જે ગોવિંદા છું એ તેમનાં ગીતોને કારણે છું અને એથી હું હંમેશાં માટે તેમનો આભારી રહીશ. એવા કેટલાક લેજન્ડરી લોકો છે જેમના આશીર્વાદ મારા જેવા આર્ટિસ્ટને ખૂબ જ ફળ્યા છે. હું પહેલાં કંઈ જ નહોતો, પરંતુ બપ્પીદાની છત્રછાયામાં હું સ્ટાર બન્યો છું. મારી ફિલ્મ માટે અદભુત ગીતો ગાવા માટે હું તેમનો આભારી છું.’