પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે અને તેનું રિઝલ્ટ 21 ડિસેમ્બરે જાહેર થશે, એવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામપંચાયતની આ ચૂંટણી સત્તાની સેમિફાઇનલ બની રહે તેવી શક્યતા છે.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામુ 29 નવેમ્બરે જાહેર થશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMથી નહીં પરંતુ બેલેટ પેપેરથી મતદાન થશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર રહેશે. જે ગામોમાં ચૂંટણી છે ત્યાં આજથી આચારસંહિતા લાગુ થશે. રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતમાં 2 કરોડ 6 લાખ 53 હજાર મતદાતાઓ છે, આ ગામોના 27,085 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જો કે જ્યાં સમરસ ગ્રામ પંચાયત થશે ત્યાં ચૂંટણી નહીં યોજાય તેવું જાણવા મળ્યું છે.કમિશનરે જણાવ્યું હતું કે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 24 ડિસેમ્બરે પૂરા થશે. જો જરૂર પડશે તો 20 ડિસેમ્બરે પુનઃમતદાન થશે.