ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે. જ્યારે તેનું ઉત્પાદન 21. 42 કરોડ નટ્સ(પાકા નાળિયેર) જેટલું છે.

ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં થાય છે. રાજ્યમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે, જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર(નટ્સ) તરીકે ઉત્પાદન થાય છે. 5 ટકા ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે નાળિયેરનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાંથી 33 ટકા નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે. ઉલ્લેખનીય છે કે નાળિયેર આમ તો બારેમાસ મળે છે. પરંતુ ઉનાળામાં (માર્ચથી જૂન) સુધી નાળિયેરની માગમાં વૃદ્ધિ થાય છે.

ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ખરેખર તો આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના આરોગ્ય વર્ધનમાં અનેક રીતે આશીર્વાદરૂપ બને છે. અને એટલે જ તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું. તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે.

LEAVE A REPLY

eight − 7 =