ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે નિયમિત, રિપીટર વિદ્યાર્થીઓ સાથેનું સરેરાશ પરિણામ 79.74 ટકા જાહેર થયું છે. જોકે, આ વર્ષના શાળાના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા આવ્યું છે. આ વર્ષે એ-1 ગ્રેડમાં 2,092 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં નિયમિત કેટેગરીના 3,35,145 વિદ્યાર્થીઓમાંથી 2,91,287 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રિપીટર વિદ્યાર્થીઓનું 45.45 ટકા તથા ખાનગી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 48.92% અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓનું 46.83% પરિણામ જાહેર થયું છે.
રાજ્યમાં સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી અને અલારસા છે. જ્યારે સૌથી ઓછું 56.43 ટકા પરિણામ ડભોઈનું રહ્યું છે. સૌથી વધુ 95.41 ટકા પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ અને સૌથી ઓછું 76.49 ટકા પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે.
ગ્રેડિંગ મુજબ પરિણામ જોઈએ તો એ1 ગ્રેડમાં 2,092 વિદ્યાર્થીઓ છે અને એ2માં 25,432 વિદ્યાર્થીઓ છે. પર્સેન્ટાઈલ રેન્ક મુજબ પરિણામમાં 99થી વધુ પર્સેન્ટાઈલ ધરાવનારા રાજ્યમાં 3,610 વિદ્યાર્થીઓ છે.
ગત વર્ષે જ્યાં પરીક્ષા વગરના માસ પ્રમોશનમાં 100 ટકા રિઝલ્ટ હતું ત્યારે પરીક્ષા આધારીત 2020ના રિઝલ્ટની સરખામણીએ આ વર્ષનું રિઝલ્ટ વધુ આવ્યું છે અને એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.