ગુજરાતમાં માર્ચ-એપ્રિલ 2022માં યોજાયેલી રાજ્ય બોર્ડની ધોરણ-12 સાયન્સ અને ગુજકેટ પરીક્ષાનું કુલ 72.02 ટકા પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરમાં પરિણામ જાહેર કર્યું હતું. આ પૈકી વિદ્યાર્થિનીઓનું 72.05 ટકા જયારે વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રધાન વાઘાણીએ
પરિણામની વિગતો આપતાં કહ્યું હતુ કે, 100 ટકા CCTV કવરેજ સાથે બોર્ડની પરીક્ષાઓ લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1, 07,663 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી 1,06,347 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 95,715 હતા જેમાંથી 95,361એ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ 68,861 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યાં છે. રાજ્યમાં સૌથી વધુ 85.78 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, જ્યારે સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 96.12 ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ અને સૌથી ઓછું ૩૩.૩૩ ટકા પરિણામ લીમખેડા કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 64 શાળાઓ જ્યારે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 61 શાળાઓનો સમાવેશ થાય છે. A1 ગ્રેડ સાથે 196 વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે ૩,૩૦૩ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું 72.57 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 72.04 ટકા પરિણામ આવ્યું છે. 99થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 385 અને B ગ્રુપમાં 684 વિદ્યાર્થીઓ જ્યારે 98થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 784 અને B ગ્રુપમાં 1,328 વિદ્યાર્થીઓ નોંધાયા છે.