નેશનલ હેરાલ્ડ કેસમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછની વિરુદ્ધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારોએ વિરોધી દેખાવો કર્યા હતા. (ANI Photo)

નેશનલ હેરાલ્ડ કેસમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછની વિરુદ્ધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારોએ વિરોધી દેખાવો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અમદાવાદ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેઓ ઇડીની ઓફિસ સુધી આગેકૂચ કરવાના હતા, પરંતુ તેમને ત્યાં જવાની મંજૂરી મળી ન હતી. તેનાથી કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં ધરણા પર બેસી ગયા હતા.

જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં કરવામાં આવ્યો હતો. પોલીસે મનીષ દોષી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓને અટકાયત લીધા હતા.
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર નીકળ્યા ત્યારે પોલીસને ગેટ બંધ કરી દીધો હતો. તેનાથી પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધી દેખાવો દરમિયાન ડિહાઇડ્રેશન થતાં 63 વર્ષના અને ત્રણ વખતના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઢળી પડ્યા હતાં. તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.