અમદાવાદમાં સરકારી કોવિડ હોસ્પિટલની ઓપીડી બહાર હેલ્થકેર વર્કર્સ માટે ફૂડની વ્યવસ્થા કરવામાં આવી હતી. .(PTI Photo)

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ મંગળવારે ફરી વધારો થયો હતો. જોકે કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો ચાલુ રહ્યો હતો. સરકારે મંગળવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 13,050 કેસ નોંધાયા હતા અને 131 દર્દીના મોત થયા હતા. અમદાવાદમાં નવા 4,754 કેસ નોંધાયા હતા અને 23 દર્દીના મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 1,574 કેસ નોંધાયા હતા અને 10 દર્દીના મોત થયા હતા.

રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, છેલ્લાં 11 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 12,121 દર્દી કોરોનામુક્ત થયા હતા.

રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 7,779 થયો હતો. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,48,297 હતી, જેમાંથી 778 દર્દીને વેન્ટિલેટર પર હતા. મંગળવારે રાજકોટમાં નવા 726 કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મોત થયા હતા, જ્યારે વડોદરામાં નવા 943 કેસ નોંધાયા હતા અને 13 દર્દીના મોત થયા હતા. જામનગરમાં નવા 728 કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મોત થયા હતા.

આ ઉપરાંત ભાવનગરમાં નવા 472 કેસ નોંધાયા હતા અને 10 દર્દીના મોત થયા હતા, જ્યારે જૂનાગઢમાં નવા 350 કેસ સાથે 7 દર્દીના મોત થયા હતા. મહેસાણામાં કોરોનાના નવા 459, નવસારીમાં 200, ખેડામાં 198 કેસ, સાબરકાંઠામાં 198, મહિસાગરમાં 195, દાહોદમાં 162 કેસ, કચ્છમાં 162, ગીર સોમનાથમાં 149, નર્મદામાં 143 કેસ, આણંદમાં 138, વલસાડમાં 120, પંચમહાલમાં 110 કેસ, અમરેલીમાં 108, ભરૂચમાં 106, મોરબીમાં 104 કેસ, અરવલ્લીમાં 102, બનાસકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90 કેસ, પાટણમાં 84 કેસ નોંધાયા હતા.