બાવળાસ્થિત ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ સુવિધાને (GARPF) યુએસડીએ-એપીએચઆઇએસ (USDA-APHIS)ની મંજૂરી મળી ગઇ છે. હવે ગુજરાતની કેરીની અમેરિકામાં નિકાસ કરવાને વેગ મળશે.
USDA-APHIS એ નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન (NPPO)ની ટીમ સાથે મળીને GARPFનું ઓડિટ કર્યું હતું. ઓડિટ બાદ તા. 2/7/2022ના બાવળાસ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરી અને દાડમના નિકાસ માટે USDA-APHISની મંજૂરી મેળવનાર આ ગુજરાતનો આ પ્રથમ પ્લાન્ટ છે.
નિર્ધારિત ધોરણો મુજબ, કેરીને અમેરિકામાં નિકાસ કરતા પહેલા તેનું ઇરેડિયેશન ફરજિયાત છે. ઇરેડિયેશન પ્રક્રિયા યુએસના ક્વોરેન્ટીન નિરીક્ષકોની દેખરેખ હેઠળ થાય છે. આ મંજુરી પછી ગુજરાતમાંથી કેરીની સીધી નિકાસ કરવામાં આવશે.
2014માં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો માટે 1,000 કિલો-ક્યુરી (kCi) મલ્ટીપર્પઝ સ્પ્લિટ ટાઇપ, પેલેટાઇઝ્ડ રેડિયેશન પ્રોસેસિંગ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. તેમાં આશરે રૂ. 20 કરોડનું મૂડી રોકાણ કરવામા આવ્યું છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજીના (BRIT) ટેક્નિકલ માર્ગદર્શન અને સહાયથી આ સુવિધા વિકસિત કરવામા આવી છે.
ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઇસબગુલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજી અને તબીબી ઉત્પાદનોને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરી શકે છે.
ભારત સરકારે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કચ્છને મેંગો ક્લસ્ટર તરીકે જાહેર કર્યું છે. તેથી આ સુવિધાના લીધે ગુજરાતમાંથી કેરીની નિકાસને આવનારા સમયમાં મોટાપાયે ફાયદો થશે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. એ કેરીની નિકાસ માટે જરૂરી ત્રણ માળખાકીય સુવિધાઓની સ્થાપના એક જ જિલ્લામાં કરી છે. તેમાં ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ, ગામા રેડિયેશન સુવિધા અને પેરિશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. USDA-APHIS મંજૂરી પછી, ઇરેડિયેશન સુવિધાના લીધે કેરીની ગુણવત્તાને વધુ સારી રીતે નિર્ધારિત કરી શકાશે અને પરિવહન તેમજ બગાડના લીધે થતો ખર્તો અટકાવી શકાશે.
એક અંદાજ પ્રમાણે 2019-20માં મહારાષ્ટ્રે આશરે 980 MT ઇરેડિયેટેડ કેરી યુએસએમાં નિકાસ કરી હતી. તેમાંથી 50 થી 60% કેરી ગુજરાતની હતી કારણ કે રાજ્યમાં USDA-APHIS માન્ય ઇરેડિયેશન પ્લાન્ટની ઉપલબ્ધતા ન હતી.