પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 7.3 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 55 ટકા વધુ છે. દેશમાં એફડીઆઇ આકર્ષવામાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા સ્થાને રહ્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના ડેટા ટાંકી રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 2023-24 દરમિયાન FDIના પ્રવાહમાં વાર્ષિક વૃદ્ધિમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં વાર્ષિક ધોરણે એફડીઆઇમાં 2.6 બિલિયનનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં રાજ્યમાં એફડીઆઇમાં 55 ટકાનો ઉછાળો આવ્યો હતો. 7.3 બિલિયન ડોલરના એફડીઆઇ નાણાપ્રવાહ સાથે ગુજરાતે કર્ણાટક અને દિલ્હીને પાછળ રાખીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

2024માં 15.1 બિલિયનના કુલ FDI સાથે મહારાષ્ટ્રે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે 6.6 બિલિયન ડોલર, 6.5 બિલિયન ડોલર અને 3 બિલિયનના FDIના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને રહ્યાં હતાં.

ગુજરાતે FY2022માં 2.7 બિલિયન ડોલર, FY2023માં 4.7 બિલિયન ડોલર અને FY2024માં  7.3 બિલિયન ડોલરનું રોકાણ મેળવીને સતત ત્રણ નાણાકીય વર્ષોમાં FDI આકર્ષવામાં સતત વૃદ્ધિ દર્શાવી છે.

FDIપ્રવાહને આકર્ષવામાં ગુજરાતની કામગીરી વિશે બોલતા રાજ્યના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલએ સુનિશ્ચિત કરી રહ્યા છે કે રોકાણ અને વ્યવસાયને સરળ બનાવતી દરેક સંભવિત મિકેનિઝમ કાર્યરત બને, જેમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બિઝનેસ-ફ્રેન્ડલી સરકારી નીતિઓ સામેલ છે.  GIFT સિટી, સાણંદ GIDC, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અને મંડલ બેચરાજી SIR પણ જેવા ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વિસ્તારો રોકાણકારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 

LEAVE A REPLY