ભારતમાંથી થતી વિવિધ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ૨૯.૬૮ ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. ૮૪,૫૦૦ કરોડની નિકાસ કરવામાં આવી છે. વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આ આંકડો સૌથી વધુ છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૬૯,૮૪૨ કરોડની નિકાસ થઇ હતી.

જી-૨૦ અંતર્ગત એકતાનગર ખાતે ચાલી રહેલી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આ વિષય ઉપર સંભાવના અને તકો ઉપર મંથન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે નિકાસ કરવામાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સતત ટોપ ઉપર છે.

વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાતમાંથી કુલ રૂ. ૯,૪૫,૭૯૬ કરોડની નિકાસ થઇ હતી. આ નિકાસ દેશની કુલ નિકાસના ૩૦.૦૫ ટકા હતી. એ વર્ષમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૭.૩૨ ટકા હતો અને ત્રીજા ક્રમે ૮.૩૪ ટકા સાથે તમિલનાડુ રહ્યું છે. એ પછીના વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતની કુલ નિકાસમાં ૩ ટકાથી માતબર વૃદ્ધિ નોંધાઇ હતી. તે વર્ષમાં ગુજરાત રૂ. ૧૨,૦૦,૦૦૧ કરોડ મૂલ્ય ધરાવતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસના ૩૩.૧૪ ટકા હિસ્સો ધરાવે છે. આ નાણાંકીય વર્ષ દરમિયાન પણ મહારાષ્ટ્ર ૧૬ ટકા સાથે બીજા રહ્યું છે.

ચાલુ નાણાંકીય વર્ષના અત્યાર સુધીમાં રૂ. ૮૪,૫૦૦ કરોડની નિકાસ થઇ છે. આ આંકડો પણ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી વધારે છે. ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લાઓમાં અમદાવાદનો ક્રમ પ્રથમ છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી રૂ. ૭૬૨૦ કરોડની નિકાસ થઇ છે. દવાઓ, મશીનરી, સ્માર્ટસ ફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે.
વડોદરા પણ નિકાસની બાબતોમાં ઉભરી રહ્યું છે અને અહીંથી અનેક વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, આ નિકાસથી વિદેશી હુંડિયામણ રળી આપવામાં વડોદરા પણ આગે કદમ છે. વડોદરામાંથી મહત્તમ કેમિકલ, દવાઓ, મશીન અને તેના પાર્ટ્સ, સ્માર્ટસ ફોન સહિતની વસ્તુઓ અને કોમોડિટીની નિકાસ થાય છે.

LEAVE A REPLY

twelve − six =