રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનના સમર્થનથી એક મહત્ત્વના રીપોર્ટને સક્ષમ બનાવવામાં મદદ મળી છે, જેમાં વર્તમાન સમયમાં શ્રમિકોની અછતને દૂર કરવા માટે જેલમાંથી મુક્ત થનારા 50 હજાર જેટલા કેદીઓને વિવિધ કામગીરીમાં સામેલ કરવાનો મુદ્દો છે.
બુદ્ધિજીવી સંસ્થા- ધ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ (CSJ)ના નવા રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, જ્યારે કેદીઓ જેલમાંથી મુક્ત થશે ત્યારે તેમને રોજિંદા જીવનમાં કાર્યરત કરવામાં આવશે તો બ્રિટન કરદાતાઓના અબજો પાઉન્ડની બચત થશે અને દેશમાં 10 લાખથી વધુ નોકરીની ખાલી જગ્યાઓમાંથી ઘણી બધી ભરાશે.
લેસ્ટરશાયરસ્થિત ફાઉન્ડેશને આ બાબતે CSJ સાથે સહયોગ કર્યો હતો, જે દર્શાવે છે કે, યુકેમાં દર વર્ષે જેલ છોડતા અંદાજે 50,000 લોકોમાંથી, દર દસ વ્યક્તિમાંથી માત્ર ત્રણને છ મહિના પછી નોકરી પ્રાપ્ત થાય છે.
જે લોકો કામ શોધવા માટે સંઘર્ષ કરે છે તેઓ ફરીથી અપરાધી બનવાનું ગંભીર જોખમ ધરાવતા હોય છે, જેના કારણે ગુનાનું ચક્ર કાયમી બને છે અને તેથી જ ઘણા પરિવારો અને સમુદાયો કલંકિત થાય છે.
આ અંગે રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક ડો. (પ્રોફેસર) નિક કોટેચા OBE DL એ કહ્યું હતું કે, “મને ખૂબ ગર્વ છે કે CSJ સાથેની અમારી ભાગીદારીથી અમને મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે, અને તેના પર હવે ન્યાયતંત્રની બાબતોના પ્રધાન દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એક સંશોધનના તારણ મુજબ, રોજગારી ઊભી કરવાથી ગુનાના ચક્રને તોડવામાં મદદ મળે છે. “શ્રમિકોની અછતને ઘટાડવાથી અર્થતંત્રને પણ ઘણો ફાયદો થશે, કારણ કે ચાન્સેલરે તેમના છેલ્લા બજેટમાં કર્મચારીઓની અછતને આર્થિક વૃદ્ધિ માટે એક મોટો ખતરો ગણાવ્યો હતો.”
જેલ પ્રધાન ડેમિયન હિન્ડ્સ દ્વારા આ સંસ્થાના રીપોર્ટ માટેની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું હતું કે, “યુકેમાં એક મિલિયનથી વધુ જગ્યાઓ ખાલી છે. તેથી, અમારી જેલોમાં સંભાવનાઓને ખોલવા માટે બિઝનેસીઝ માટે આથી વધુ સારી તક અગાઉ ક્યારેય નહોતી. જો, વધુને વધુ કેદીઓનો કામગીરીમાં સમાવેશ કરવામાં આવે તો તે બહુ મોટી સફળતા કહેવાશે, તેઓ ફરીથી ગુનેગાર બનતા અટકશે, અપરાધમાં ઘટાડો થશે અને આપણા તમામના ફાયદા માટે આપણા અર્થતંત્રનો વિકાસ કરશે.”

LEAVE A REPLY

three × 2 =