જાણીતા ઇન્ડિયન અમેરિકન શિક્ષણવિદ્ શ્રીકાંત દાતારની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે. 112 વર્ષ જુની આ બિઝનેસ સ્કૂલ વિશ્વમાં ખૂબ જ જાણીતી છે અને તેના વર્તમાન ડીન નીતિન નોહરિયા પણ ઇન્ડિયન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીકાંત દાતાર અમદાવાદની આઇઆઇએમના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જાન્યુઆરી 2021 પહેલા દાતાર પોતાનો નવો હોદ્દો સંભાળી લેશે.
હાર્વર્ડના ચેરમેન લેરી બેકોવે જણાવ્યું હતું કે, શ્રીકાંત દાતાર એક ઇનોવેટિવ શિક્ષક હોવાની સાથે અનુભવી શિક્ષણવિદ્ પણ છે. કોરોના મહામારી દરમિયાન પણ શ્રીકાંત દાતાર સ્કૂલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
દાતાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11મા ડીન હશે. હાર્વર્ડના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સતત બીજીવાર કોઇ ઇન્ડિયન તેના ડીન બની રહ્યા છે. વર્ષ 1973માં દાતારે મુંબઇ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી આઇઆઇએમ-અમદાવાદમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો.