HCI Vikram doraiswamy

યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી શુક્રવારે તા. 23ના રોજ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને આંબેડકર મ્યુઝિયમમાં શ્રદ્ધાંજલિ આપીને તેમના નવા કાર્યભારનો પ્રારંભ કર્યો હતો. બાંગ્લાદેશના પૂર્વ હાઇ કમિશ્નર દોરાઈસ્વામીની વરણીની ગયા મહિને વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેરાત કરાયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી તેમને નવા પદ માટે ઓળખપત્રો પ્રાપ્ત થયા હતા.

યુકે આવતા યુકેના ફોરેન સેક્રેટરીના વિશેષ પ્રતિનિધિ એડેલ ટેલર, ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. લંડનમાં ઈન્ડિયા હાઉસે તેમણે આપેલી શ્રદ્ધાંજલિની તસવીરો ટ્વિટ કરી હતી. શ્રી દોરાઈસ્વામીએ ગાયત્રી ઈસ્સાર કુમારનું સ્થાન લીધું હતું જેઓ જૂનના અંતમાં યુકેમાં સેવામાંથી નિવૃત્ત થયા હતા.

1992ની બેચના આઈએફએસ અધિકારી વિક્રમ દોરાઈસ્વામીએ એક વર્ષ પત્રકારત્વ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમને મે 1994માં હોંગકોંગમાં ભારતીય દૂતાવાસમાં થર્ડ સેક્રેટરી તરીકે અને સપ્ટેમ્બર 1996માં, બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં નિમણુંક કરાઇ હતી. 2000માં તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પાછા ફરતા તેમને પ્રોટોકોલના ડેપ્યુટી ચીફ (સત્તાવાર) તરીકે નિયુક્ત કરાયા હતા. બે વર્ષ પછી તેમને વડા પ્રધાનના કાર્યાલયમાં બઢતી અપાઇ હતી અને પછીથી તેમણે ભારતના વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

2006માં, દોરાઈસ્વામીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં રાજકીય સલાહકાર તરીકે અને ઓક્ટોબર 2009માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભારતના કોન્સલ જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

જુલાઈ 2011માં, દોરાઈસ્વામી નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પાછા ફરતા તેમણે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) વિભાગનું નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ માર્ચ 2012માં નવી દિલ્હીમાં ચોથી BRICS સમિટના સંયોજક પણ હતા.

ઓક્ટોબર 2012થી ઓક્ટોબર 2014 સુધી, દોરાઈસ્વામી વિદેશ મંત્રાલયના અમેરિકા વિભાગમાં સંયુક્ત સચિવ હતા. એપ્રિલ 2015માં કોરિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ ઓક્ટોબર 2014માં ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત બન્યા હતા. તેઓ જુલાઈ 2018માં હેડક્વાર્ટરમાં પાછા બાદ બાંગ્લાદેશ અને મ્યાનમાર વિભાગના વડા બનાવાયા હતા.

એપ્રિલ 2019માં, તેમને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વિદેશ મંત્રાલયમાં એક નવો વિભાગ સ્થાપવાનું કામ સોંપાયું હતું. ડિસેમ્બર 2019 માં પ્રમોશન પછી, તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સમિટ માટે અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.

વિક્રમ દોરાઈસ્વામી વાંચન, રમતગમત, ફિટનેસ, મુસાફરી અને જાઝ સંગીતમાં રસ ધરાવે છે. તેઓ ચાઈનીઝ, ફ્રેન્ચ અને કોરિયન ભાષામાં અસ્ખલિત છે.

LEAVE A REPLY

10 − 1 =