BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર 21 જૂન 2022ના રોજ ભારતીય હાઈ કમિશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સત્રમાં યુકેના ભારતીય હાઇ કમિશનર ગાયત્રી ઇસાર કુમાર તેમજ લોર્ડ રેમી રેન્જર CBE અને એમપી બોબ બ્લેકમેન હાજર રહ્યા હતા.

પ્રતિષ્ઠિત મંદિરની સામે યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણ વખતના વિશ્વ યોગ ચેમ્પિયન ઈશ્વર શર્માએ લાઇવ યોગ નિદર્શન કર્યું હતું. તેમજ ચી ક્રી યોગના સ્થાપક, લેક્ચરર અને યોગ શિક્ષક નીલ પટેલે કોમન યોગ પ્રોટોકોલ (CYP) માંથી પ્રાણાયામ અને મેડીટેશમ ટેકનીકો રજૂ કરી હતી

સભાને સંબોધતા, શ્રીમતી ગાયત્રી કુમારે કહ્યું હતું કે “લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવી તે યોગ્ય છે. મંદિરની પૃષ્ઠભૂમિ સાથે ખૂબ જ સારા યોગ સત્રનું આયોજન કરવા બદલ આ મંદિર અને તેના સમુદાયના મેનેજમેન્ટ અને સભ્યોનો ખૂબ ખૂબ આભાર. તે અમને બાકીની ઉજવણી માટે ઉત્સાહિત કરે છે.”

લોર્ડ રેન્જરે ઉમેર્યું હતું કે “હાઈ કમિશનને યોગનું પ્રદર્શન કરવા માટે સ્થાન આપનાર BAPS સ્વામિનારાયણ મંદિર સમિતિના ખૂબ આભારી છીએ. મંદિરના નિર્માતા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની નવી ઉભી કરાયેલ 27 ફૂટની છબી પર ધ્યાન દોરતા લોર્ડ રેન્જરે ઉમેર્યું, “પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હવે સમગ્ર વિશ્વના દેશોને આકર્ષી રહ્યું છે.”

એમપી બોબ બ્લેકમેને યોગ સાથેનો તેમનો સકારાત્મક અનુભવ શેર કર્યો હતો. 2014માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સ્થાપના થયા બાદ 2015થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યુએનના કહેવા મુજબ “યોગ માઇન્ડફુલનેસ, સંયમ, શિસ્ત અને દ્રઢતાના મૂલ્યો પર ભાર મૂકે છે. જ્યારે સમુદાયો અને સમાજો પર લાગુ કરવામાં આવે છે, ત્યારે યોગ ટકાઉ જીવન માટેનો માર્ગ પ્રદાન કરે છે.”

મંદિરમાં કાર્યક્રમના આયોજન માટે મદદ કરનાર મુખ્ય વોલંટીયર ગિરીશ પટેલે કહ્યું હતું કે, “પ્રમુખ સ્વામી મહારાજે ત્રણ દાયકા કરતા વધુ સમયથી યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરી હતી. જેમ જેમ વિશ્વ તેમની શતાબ્દી જન્મજયંતિ ઉજવે છે, ત્યારે ભારતીય હાઇ કમિશન સાથે ભાગીદારી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવી એ સન્માનની વાત છે. અમે આ વાર્ષિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અને પહેલોને વધુ સમર્થન આપવા માટે આતુર છીએ.”

સમગ્ર લંડનમાંથી યોગ રસિકો ઉજવણીમાં જોડાયા હતા. યોગ દિવસના અવસરે રાષ્ટ્રને પીએમના સંબોધનનું પ્રસારણ કરાયું હતું.

આ ઉપરાંત, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ભારતીય કોન્સ્યુલેટ્સ અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં સ્થાનિક યોગ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અગાઉ, ઇન્ટનેશનલ યોગા ડે 2022 પ્રસંગે UKમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સે લંડનમાં પ્રખ્યાત હોલેન્ડ પાર્ક સહિત – આઇકોનિક સ્થળોએ યોગ સત્રોનું આયોજન કર્યું હતું. પ્રથમ વખત, IDY નું આયોજન બ્રિટિશ આર્મીના સેન્ટ્રલ લંડનમાં આવેલ વેલિંગ્ટન બેરેક્સ ખાતે કરાયું હતું. જ્યાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વધુ સત્રો માટે વિનંતીઓ કરવામાં આવી હતી.