(Picture: John Lyon School)

8 જૂનેના રોજ ભારતના હાઈ કમિશન, લંડન દ્વારા નોર્થ વેસ્ટ લંડનના હેરો-ઓન-ધ-હિલ ખાતે આવેલ જ્હોન લિયોન સ્કૂલ સાથે મળીને એક્સેલન્સ કાર્યક્રમ અને યોગ સત્રના બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમથી જ્હોન લિયોનના વિદ્યાર્થીઓને ઘણું શીખવાનું મળ્યું હતું.

જ્હોન લિયોનના મિસ કેથરિન હેન્સ (હેડ), મિસ્ટર એન્ડી સિમ્સ, (ડેપ્યુટી હેડ) અને ડૉ. ફ્લોરેન્સ વેઈનબર્ગ (ડાયરેક્ટર ઓફ એડમિશન્સ) દ્વારા ભારતના હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી શિતાંશુ ચૌરસિયા અને યુકેમાં ભારતના હાઈ કમિશનની સાંસ્કૃતિક પાંખ નેહરુ સેન્ટરના ડિરેક્ટર અને લેખક શ્રી અમિષ ત્રિપાઠીનું સ્વાગત કર્યું હતું.

શ્રી ચૌરસિયાએ તેમની ભૂમિકા અને ભારતીય હાઈ કમિશન, લંડનનું કામ સમજાવતા પ્રથમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારપછી તેમણે હાઈ કમિશ્નર દ્વારા વ્યક્તિગત રીતે દાનમાં આપેલા પુસ્તકો શાળાની લાઈબ્રેરી માટે ભેટ આપ્યા હતા. મિસ કેથરિન હેન્સે હાઇ કમિશનના અધિકારીઓને ઓકનો છોડ ભેટ કર્યો હતો.

શ્રી ત્રિપાઠી દ્વારા ‘અંડરસ્ટેન્ડિંગ ઈન્ડિયા: અમૉન્ગ ધ લિવિંગ સિવિલાઇઝેશન્સ’ શીર્ષક હેઠળ એક આકર્ષક અને વિચાર-પ્રેરક માહિતી અપાઇ હતી. આ વાર્તાલાપને ન્યૂ મેમોરિયલ હોલમાં ઉપસ્થિત યર 7 અને યર 8ના વિદ્યાર્થીઓ દ્વારા માણવામાં આવ્યો હતો.

ત્રિપાઠીએ એક બેંકર, લેખક, ફિલ્મ નિર્માતાથી માંડીને ડિપ્લોમેટ સુધીની વ્યાપક કારકિર્દીની સફરની ચર્ચા કરી હતી. તેમણે ભારતના ઈતિહાસથી લઈને યુકે સાથેના તેના સંબંધો અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની ભારત પરની અસર સુધીના વિવિધ વિષયોને આવરી લેતા શાળાના વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેનાથી વિદ્યાર્થીઓ મોહિત થઈ ગયા હતા.

બીજો કાર્યક્રમ 21 જૂનના રોજ આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રારંભિક ઉજવણીનો હતો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે, રેડ હાઉસ લૉન પર યોગ સેશન કરાયું હતું. જેનું સંચાલન શાળામાં બાયોલોજી શિખવતા જોમી મોઈસ દ્વારા કરાયું હતું. જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ હાજરી આપી હતી.

શાળાએ મુલાકાત લેવા બદલ શ્રી ચૌરસિયા અને શ્રી ત્રિપાઠી અને ભારતના હાઈ કમિશનનો આભાર માની આશા વ્યક્ત કરી હતી કે હજુ પણ ઘણો બધો સહયોગ કરવામાં આવશે.