વૈશ્વિક સ્તરે, ઓક્ટોબર મહિનો સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે, જે યુકેમાં કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે.

સાઉથ વેસ્ટ લંડન બ્રેસ્ટ સ્ક્રિનિંગ સર્વિસના કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડૉ. મમતા રેડ્ડી કહે છે, “લગભગ 7માંથી 1 મહિલાને તેમના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર હોવાનું જણાવવામાં આવશે.”

ડો. રેડ્ડી ઉમેરે છે કે “સ્તન કેન્સરનું શક્ય તેટલું વહેલું નિદાન થાય તો સારવાર વધુ સફળ થવાની સંભાવના વધારે રહે છે. તેથી, એ મહત્વનું છે કે આપણે બધા જાણીએ કે બ્રેસ્ટ સ્ક્રીનીંગ વિશે શું ધ્યાન રાખવું, અને કેવી રીતે મદદ મેળવવી. આ માટે આપણે પુરુષો સાથે વાત કરવાની પણ જરૂર છે, કારણ કે દરેકને બ્રેસ્ટ ટીસ્યુ હોવાથી તે ખૂબ જ દુર્લભ હોવા છતાં, તેમને પણ સ્તન કેન્સર થઈ શકે છે.”

મારે શું ધ્યાન રાખવું જોઈએ?

ડૉ. રેડ્ડી કહે છે કે “તમારા સ્તનો સામાન્ય રીતે કેવા દેખાય છે અને કેવા લાગે છે તે તમારે જાણવું મહત્વપૂર્ણ છે. તમારા સ્તનોની નિયમિત તપાસ કરીને તેની સાથે પરિચિત થવાથી, તમને એવા ફેરફારો જોવામાં મદદ મળશે જે સ્તન કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. જો તમે સ્તનની નિયમીત તપાસ કરતા ન હો તો, જો તમને નિયમિત રીતે પીરીયડ્સ (માસિક સ્ત્રાવ) આવતા હોય ત્યારે અથવા દર મહિને તે જ સમયે કે સામાન્ય રીતે તે સમય પછી તમારી જાતને તપાસવી વધુ સારું છે.”

સ્તનમાં દુખાવો ખૂબ સામાન્ય છે, પરંતુ સામાન્ય રીતે તે સ્તન કેન્સરની નિશાની નથી. પ્રથમ ચિહ્નોમાંની એક ગાંઠ અથવા સ્તનના જાડા ટીસ્યુઓનો વિસ્તાર હોઈ શકે છે. ડૉ. રેડ્ડી સમજાવે છે કે “ઘણા લોકોને ગાંઠ દેખાતાની સાથે જ ચિંતા થવા લાગે છે, પરંતુ ઘણા ગાંઠો સદનસીબે કેન્સરગ્રસ્ત નથી હોતી, આ માટે ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી જ શ્રેષ્ઠ છે.”

જો તમને નીચેના લક્ષણો જણાય તો તમારે તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરવો જોઈએ:

  1. એક અથવા બંને સ્તનોના કદ અથવા આકારમાં ગાંઠ અથવા ફેરફાર
  2. તમારી કોઈપણ બગલમાં ગાંઠ અથવા સોજો
  3. તમારા સ્તનોની ત્વચા પર ડિમ્પલિંગ
  4. તમારા સ્તનની ડીંટડી પર અથવા તેની આસપાસ ફોલ્લીઓ
  5. તમારા બંને સ્તનની ડીંટીમાંથી સ્રાવ, જેમાં લોહી હોઇ શકે છે
  6. તમારા સ્તનની ડીંટડીના દેખાવમાં ફેરફાર, જાણે કે તે તમારા સ્તનમાં ખૂંપી ગઇ હોય.

તમારી જાતે તમે કેવી રીતે તપાસ કરી શકો છો તે અહીં ક્લીક કરી જાણી શકો છો www.nhs.uk/common-health-questions/lifestyle/how-should-i-check-my-breasts

શું મને વધુ જોખમ છે?

યુકેમાં, વિવિધ પૃષ્ઠભૂમિની સ્ત્રીઓમાં સ્તન કેન્સરનો દર અલગ-અલગ હોય છે. તમારી પૃષ્ઠભૂમિ ગમે તે હોય, લક્ષણો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જ્યારે સ્તન કેન્સરના ચોક્કસ કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી, કેટલાક પરિબળો તેને વિકસાવવાનું જોખમ વધારી શકે છે.

ડૉ. રેડ્ડી કહે છે કે “સ્ત્રી હોવું અને વધતી જતી ઉંમર એ સ્તન કેન્સર માટેના બે સૌથી સામાન્ય જોખમો છે. સ્તન કેન્સરના 10 માંથી 8 કેસો 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં નિદાન થાય છે જેઓ મેનોપોઝમાંથી પસાર થઈ હોય. પરંતુ યુવાન સ્ત્રીઓ અને પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે છે.’’

ડૉ. રેડ્ડી કહે છે કે ‘’જો તમારા નજીકના સંબંધીઓને સ્તન કેન્સર અથવા ઑવરીનું (અંડાશય) કેન્સર થયું હોય, તો તમને વધુ જોખમ હોઈ શકે છે.

“ચોક્કસ જીન્સ (જનીનો) માતાપિતા દ્વારા બાળકમાં પસાર થાય તે શક્ય છે. જો તમે ચિંતિત હો, તો સલાહ માટે તમારી GP પ્રેક્ટિસને પૂછો અને તેઓ તમને NHS જીનેટીક ટેસ્ટ માટે રીફર કરી શકશે. તે ટેસ્ટ તમને જણાવશે કે શું તમને કેન્સરનું જોખમ ધરાવતા જીન્સ વારસામાં મળ્યા છે અથવા તમને અન્ય કોઈ કારણસર જોખમ વધારે છે કે કેમ.

શું હું તેને રોકી શકું?

જો કે સંશોધનમાં સ્તન કેન્સરને કેવી રીતે અટકાવી શકાય તે જોવામાં આવ્યું છે, તેમ છતાં કોઈ ચોક્કસ તારણો નથી. કેટલાક અભ્યાસોએ સૂચવ્યું છે કે નિયમિત કસરત કરવાથી સ્તન કેન્સર થવાનું જોખમ લગભગ ત્રીજા ભાગ જેટલું ઘટાડી શકાય છે. તંદુરસ્ત વજન જાળવવું, સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું ઓછું સેવન અને આલ્કોહોલનું સેવન ઓછું કરવાથી પણ ફાયદો થઈ શકે છે. આ પહલાં સામાન્ય સ્વાસ્થ્યમાં પણ મદદ કરી શકે છે, અને હૃદય રોગ, ડાયાબિટીસ અને કેટલાક અન્ય કેન્સર જેવી પરિસ્થિતિઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજન કેટલીકવાર સ્તન કેન્સરના કોષોને ઉત્તેજિત કરી શકે છે અને તેમને વધવા માટેનું કારણ બને છે. જો તમને નાની ઉંમરે પીરિયડ્સ આવવાનું શરૂ થયું હોય અને મેનોપોઝ એવરેજ કરતાં પાછળથી અનુભવ્યું હોય, તો તમે લાંબા સમય સુધી એસ્ટ્રોજનના સંપર્કમાં આવ્યા હશે જે તમારા જોખમને વધારી શકે છે. વધારે વજન હોવાને કારણે શરીર દ્વારા વધુ એસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે, જે અમુક પ્રકારના સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.

અભ્યાસો સૂચવે છે કે સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સર થવાનું જોખમ ઘટાડવામાં થોડી ફાયદાકારક અસર થાય છે.

શું મારે સ્ક્રીનીંગ કરવાની જરૂર છે?

મેમોગ્રાફી એ તમારા સ્તનોની એક્સ-રે સ્ક્રીનીંગ છે. કેટલીકવાર તો તમે તમારા સ્તનોમાં કોઈ ફેરફાર જુઓ અથવા અનુભવો તે પહેલાં તે પ્રારંભિક તબક્કે કેન્સરને ઓળખવામાં મદદ કરે છે.

તે NHS દ્વારા 50 વર્ષથી લઈને તેમના 71મા જન્મદિવસ સુધીની મહિલાઓને મફતમાં કરી આપવામાં આવે છે અને યુકેમાં દર વર્ષે સ્તન કેન્સરથી થતા અંદાજિત 1,300 મૃત્યુને અટકાવે છે. જો કે, ડૉ. રેડ્ડી સમજાવે છે કે ભલે આપણે જાણીએ છીએ કે તે જીવન બચાવે છે, પણ ઘણી સ્ત્રીઓ આગળ આવવામાં સંકોચ અનુભવે છે: “સ્ક્રિનિંગ વખતે શું અપેક્ષા રાખવી અને એપોઇન્ટમેન્ટ દરમિયાન અમે તેમની ગોપનીયતા કેવી રીતે સુરક્ષિત કરીશું તે વિશે મહિલાઓ સાથે વાત કરવાથી, સ્ત્રીઓને ઓછી બેચેની અનુભવવામાં મદદ થાય છે.”

આખી એપોઇન્ટમેન્ટ લગભગ 30 મિનિટ ચાલે છે, જેમાં મેમોગ્રામ માત્ર થોડી મિનિટો લે છે. “તમારી સાથે એક અથવા બે મહિલા મેમોગ્રાફર હોઇ શકે છે જેઓ શું થશે તે સમજાવશે અને તમને પૂછવા હોય તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે. તેઓ તમારા આ અનુભવને આરામદાયક બનાવવા માટે બનતું બધું કરશે.”

દર વર્ષે 2 મિલીયન લાખથી વધુ મહિલાઓ બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરાવવા હાજરી આપે છે. દર 100 માંથી ચાર મહિલાઓને સ્ક્રીનીંગ પછી વધુ ટેસ્ટ માટે પાછી બોલાવવાની  જરૂર પડે છે અને આ ચાર મહિલાઓમાંથી એકને કેન્સર હોવાનું જાણવા મળે છે.

મોટાભાગની સ્ક્રીનીંગ એપોઇન્ટમેન્ટ હોસ્પિટલમાં હોય છે, પરંતુ જો તે અનુકૂળ ન હોય, તો કેટલાક વિસ્તારો સુપરમાર્કેટના કાર પાર્ક અને અન્ય સ્થળોએ મોબાઇલ સ્ક્રીનીંગ વાનમાં ઓફર કરાય છે.

તમે તમારા વિસ્તારમાં મેમોગ્રામ ક્યાં કરાવી શકો છો તે જાણવા માટે તમે તમારી સ્થાનિક બ્રેસ્ટ સ્ક્રીનીંગ સર્વિસ નો સંપર્ક કરી શકો છો.

71 વર્ષની ઉંમરથી, NHS તમને એપોઇન્ટમેન્ટ માટે પત્ર મોકલશે નહીં, પરંતુ જો તમે દર 3 વર્ષે સ્તનની તપાસ ચાલુ રાખવા માંગતા હો, તો તમે મેમોગ્રામની વિનંતી કરવા માટે તમારી સ્ક્રીનિંગ સર્વિસ ને કૉલ કરી શકો છો.

અને જો તમે સ્તનની તપાસ માટેનું આમંત્રણ ચૂકી ગયા હો તો ચિંતા કરશો નહીં, પછી ભલે તે અઠવાડિયાઓ, મહિનાઓ કે વર્ષો પહેલા હોય. તમારી એપોઇન્ટમેન્ટ ગોઠવવા માટે તમે હજુ પણ તમારી સ્ક્રીનીંગ સર્વિસ નો સંપર્ક કરી શકો છો.

આપણે સ્તન કેન્સર વિશે શરમ અનુભવી શકીએ નહિં

69 વર્ષના ઉષા મારવાહ ભૂતપૂર્વ ફેશન ડિઝાઇનર અને ચાર નાના બાળકોના સક્રિય દાદી છે. તેઓ ડાયાબિટીક છે, બે સ્ટેન્ટ સાથે હૃદયના દર્દી છે અને સ્તન કેન્સર સર્વાઈવર પણ છે, તેઓ સમજાવતા કહે છે:

‘’2009માં, ટીવી જોતી વખતે, મને મારા ડાબા સ્તનમાં ધ્રુજારીનો અનુભવ થયો. જેમ જેમ મેં તેને સ્પર્શ કર્યો, મને એક ગાંઠ લાગી. શરૂઆતમાં મેં તેના વિશે કંઈ જ વિચાર્યું ન હતું પરંતુ મારી જીપી પ્રેક્ટિસમાં તેની તપાસ કરાવવાનું નક્કી કર્યું હતું.

બાયોપ્સી પછી, તપાસ માટે ગાંઠમાંથી ટીસ્યુનો નાનો નમૂનો લેવામાં આવ્યો હતો, ત્યારે મને સ્ટેજ 4 હોર્મોનલ સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખૂબ જ ઝડપથી મેં રેડિયોથેરાપી શરૂ કરી, અને સદભાગ્યે તે પછી, હું 8 વર્ષ રેમીસનમાં હતી.

2017માં, કેન્સર એ જ સ્તનમાં ફરી દેખાયું હતું. મારી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે હું શસ્ત્રક્રિયાને સંભાળી શકું કે કેમ તે અંગે ડોકટરોની ચિંતા હોવા છતાં, મેં તે સ્તન દૂર કરવા માટે માસ્ટેક્ટોમી કરાવી હતી, ત્યારબાદ 8 મહિનાની કીમોથેરાપી હતી. સદભાગ્યે, હું ફરીથી કેન્સર મુક્ત થઇ હતી.

2020 માં, હું મારા પરિવાર સાથે અમેરિકાની ફેમિલી ટ્રીપથી પાછો ફરી ત્યારે અમે બીમાર થયા હતા. COVID એ તે સમયે સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું શરૂ કર્યું હતું અને અમે વિચાર્યું હતું કે અમારી પાસે પણ તે હોઈ શકે છે. ટેસ્ટ હજી અસ્તિત્વમાં આવ્યા ન હોવાથી, અમને ખાતરીપૂર્વક તેની ખબર ન હતી.’’

‘’મારો પરિવાર સ્વસ્થ થયો, પણ હું સાજી થઇ નહતી. એન્ટિબાયોટિક્સ મારી છાતીના ચેપમાં મને મદદ કરી શકતા ન હોવાથી, મારા ડૉક્ટરે સીટી સ્કેનનું આયોજન કર્યું હતું. મને કહેવામાં આવ્યું કે મારા ફેફસાં અને બરોળમાં કેન્સરના કોષો લીક થઈ ગયા છે.

મારી પાસે સ્તન કેન્સરનો કોઈ કૌટુંબિક ઈતિહાસ નથી, અને માત્ર દસ વર્ષમાં ત્રણ વખત કેન્સરનું નિદાન થવું એ માનસિક તેમજ શારીરિક રીતે પડકારજનક રહ્યું છે. કીમોથેરાપીની આડઅસર અને મારા શારીરિક દેખાવમાં ફેરફાર ખરેખર મુશ્કેલ છે. એક તબક્કે, મને કહેવામાં આવ્યું કે મારી પાસે જીવવા માટે માત્ર 9 થી 18 મહિના બાકી છે.

મારા પતિ, બાળકો અને પૌત્રોના સતત સમર્થનથી, જેઓ મારા આત્માને જાળવી રાખવા માટે આવી અદ્ભુત વાતો કહે છે, હું વ્યસ્ત રહી અને કેટલીકવાર મારી માંદગી પણ ભૂલી જતી. મેં મારી સારવાર પૂર્ણ કરી, દરેક ટેસ્ટમાં હાજરી આપી અને આભારી છું કે, મારા છેલ્લા બે સીટી સ્કેનથી મારું કેન્સર ફરીથી સાફ થઈ ગયું છે.

સમય મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ મને અંદરથી શક્તિ મળે છે અને સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરું છું. હું હજી પણ આર્ટ અને ફેશનનો આનંદ માણું છું અને YouTube પરથી સર્જનાત્મક વિચારો શીખું છું. સાઉથ એશિયન હેલ્થ એક્શન (SAHA)સાથે વોલંટીયરીંગ સેવા કરવાથી પણ મને શક્તિ મળે છે. કારણ કે હું મારી વાર્તા શેર કરું છું અને સ્થાનિક સમુદાયમાં જાગૃતિ ફેલાવું છું. તેમના દ્વારા, હું NHS Core20PLUS5 હેલ્થ ઇન્ક્વાલીટી પ્રોજેક્ટમાં કેન્સર કોમ્યુનિટી કનેક્ટર તરીકે જોડાઇ છું જ્યાં હું કેન્સર ધરાવતા અન્ય લોકો સાથે વાત કરી શકું છું જેથી તેઓ સમજી શકે છે કે હું કેવું અનુભવું છું.

આપણી સંસ્કૃતિમાં, જ્યારે આપણા શરીરના ભાગોની વાત આવે છે ત્યારે આપણે ઘણીવાર શરમ અનુભવીએ છીએ. પરંતુ આપણે નાહતી વખતે અથવા ટીવી જોતી વખતે, જેમ કે મેં ત્યારે કર્યું હતું, તેમ ગાંઠ અને બમ્પ્સ માટે જાતને તપાસી શકીએ છીએ. જો આપણને પોસ્ટમાં પત્ર મળે તો આપણે કેન્સર સ્ક્રીનીંગની ઓફર લઈ શકીએ છીએ. જો કંઈક યોગ્ય ન લાગે તો આપણે આપણા પ્રશ્નોની યાદી સાથે આપણી GP પ્રેક્ટિસનો સંપર્ક કરી શકીએ છીએ. તે કંઈ ન પણ હોઈ શકે પરંતુ તમારા મનને આરામ આપી શકે છે. અને જો કેન્સર હોવાનું બહાર આવે છે, તો વહેલા સારવાર લેવાથી આપણું જીવન બચી શકે છે.

LEAVE A REPLY

4 × 2 =