REUTERS/Amit Dave

ગુજરાતમાં હીટવેવની અસરને કારણે ભીષણ ગરમી પડી રહી છે. રવિવાર (1 મે)ના રોજ આખા રાજ્યમાં સૌથી વધારે ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ હતી. શહેરમાં રવિવારે સતત ચોથા દિવસે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. કંડલા 43.5 ડિગ્રી સાથે બીજા અને રાજકોટ 43 ડિગ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારના રોજ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. આવનારા ત્રણ-ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશ: ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતા.

30 એપ્રિલે હવામાન વિભાગે મે મહિનાનું નેશનલ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું, જે મુજૂબબ ભારતના પશ્ચિમમધ્ય અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો તેમજ દક્ષિણ રાજસ્થાનમાં તાપમાન ઘણું વધારે રહેશે જ્યારે ગુજરાતના બાકીના ક્ષેત્રમાં સામાન્ય કરતા થોડું વધારે હશે. અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા થોડું વધારે જોવા મળી શકે છે. મે મહિના માટે આ આગાહી મહત્ત્વની માનવામાં આવે છે કારણકે, ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં એપ્રિલ મહિનામાં પાછલા થોડા વર્ષોની સરખામણીમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે.

આજે સતત ચોથા દિવસે ૪૪ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. જેને લઇને પૂર્વ અમદાવાદમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થવાની સાથે જ દિવસની શરૂઆત કરે છે. પૂર્વમાં આજે ગરમી અને રવિવારની રજા વચ્ચે કરફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો.

એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી ગરમીએ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું છે. મે માસના પહેલા જ દિવસે પણ અમદાવાદમાં ૪૪ ડિગ્રી ગરમી રહેતા શહેરીજનો રીતસરના તાપમાં શેકાયા હતા. દિવસનું તાપમાન સામાન્ય કરતા ૩ ડિગ્રી વધુ રહ્યું હતું. દિવસના તાપમાનની જેમ હવે રાતનું તાપમાન પણ વધી રહ્યું છે. આજે રાતનું તાપમાન ૨૭.૧ ડિગ્રી રહ્યું હતું. જે પણ સામાન્યથી ૧ ડિગ્રી જેટલું વધારે છે. દિવસ-રાતની ગરમીનો પારો વધી રહ્યો હોવાથી લોકોના આરોગ્યને પણ અસર થઇ રહી છે.