લેસ્ટરના સેન્ટ બાર્નબાસ રોડ પર અવેલ શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા નબળા લોકો અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા તા. 5 મી એપ્રિલ 2020થી સ્થાપવામાં આવેલી  ફૂડબેંકને જોરદાર સફળતા સાંપડી છે.

શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રેસિડેન્ટ શીતલભાઇ આડતીયાએ જણાવ્યું હતું કે ‘’અમે લેસ્ટરશાયરમાં રહેતા જરૂરિયાતમંદ અને બીમાર-નબળા લોકોને લાંબો સમય ટકી રહે તેવુ અનાજ-કરીયાણું અને તૈયાર ભોજન આપીએ છે. અમારી સેવા નિ:શુલ્ક હોય છે અને કોઈ પણ સ્વયંસેવકો તેમની સેવાઓ માટે પગાર લેતા નથી. અમારી ફૂડ બેંક ગુરૂવારે બપોરે 3થી સાંજના 5 અને રવિવારના સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી બે વાર ખુલ્લી હોય છે.’’

શીતલભાઇએ જણાવ્યું હતું કે ‘’જે લોકોને ભોજનની જરૂર હોય તેઓ કોમ્યુનીટી સેન્ટરમાં ફોન કરી શકે છે. અમે તેમને એક અઠવાડિયા સુધી ચાલે તેટલુ ફૂડ પાર્સલ આપીશું. જે લોકો સેન્ટર સુધી આવી શકે તેમ ન હોય અથવા આઇસોલેટ થયા હોય તેમને અમે ડિલિવરી સેવા પણ આપીએ છીએ. અમે હાલમાં દર અઠવાડિયે 350થી વધુ પાર્સલ જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છીએ. અત્યાર ધીમાં કુલ 4,000 ફૂડ પાર્સલ અપાઇ ચૂક્યા છે. મહાન હેતુ માટે ઉદાર હાથે દાન અને સહાય કરતા સ્થાનિક બિઝનેસીસ અને સ્થાનિક ભક્તોના અમે આભારી છીએ. એક ફૂડ પાર્સલમાં લોટ, ચોખા, દાળ, ટીન્ડ ખોરાક, ચા, ખાંડ, બિસ્કીટ, પાસ્તા, અનાજ અને ક્યારેક તાજા ફળ અને શાકનો સમાવેશ કરાય છે. અમે નજીકના ભવિષ્યમાં અમારી સેવાઓ ચાલુ રાખનાર છીએ.’’

વધુ માહિતી માટે સંપર્ક:  0116 2464 590 અને www.shreehindutemple.net