(ANI Photo)

પૂ. મોરારિબાપુ

ગત સપ્તાહે હોળીનો તહેવાર ઉજવાઇ ગયો.  આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને રંગોત્સવે ઘેલું કર્યું હતું. હોળીના દિવસે હોલિકાદહન થાય છે. તેનો અર્થ સમજવા જેવો છે. હોલિકાદહનમાં કચરો બળી જાય અને સાચું હેમખેમ નીકળે. અને બીજે દિવસે પછી રંગ ધૂળેટી, એ તો ભક્તિ બચી અને આસક્તિ બળી ગઈ એનો ઉત્સવ શરૂ થયો.   અરસપરસના દિલના ભાવથી હોળી ખેલવાની હોય છે.

અને શેનું દહન કરવાનું છે ? હું પ્રાર્થના કરું છું સૌ ભાઈ-બહેનોને કે, બુદ્ધપુરુષ મળી જાય અને મોકો મળે તો એમની પાસે બેસી રહેવું, બોલબોલ ન કરવું. એમની આંખોની ઝલક મળી જાય અને ખભે હાથ મૂકીને એ કયારેક ખબર પૂછી લે કે, ‘કેમ છે ?’ તો સમજવું કે તમારા હાથમાં મોક્ષ દઈ રહ્યા છે. ત્યાં બેસવું જ પૂરતું છે.
એક ભીતરી હવન-યજ્ઞ શરુ થઈ જાય અને કેટલાં સમિધ એમાં બળી જાય ! મારા તુલસીએ ‘માનસ’ માં સપ્તસમિધની ચર્ચા કરી છે. હું જયારે દાદાજીનાં ચરણોમાં બેસીને ‘રામાયણ’ શીખતો હતો, ત્યારની વાત છે. દિવાળીનો સમય આવ્યો, નાનકડું મકાન હતુ, વચ્ચે એક ભીંત હતી. મા એને વ્હાઇટવોશ કરતી હતી, ત્યારે મેં દાદાજીને કહ્યું કે મારી ઈચ્છા છે કે, એ ભીંત પર ‘રામાયણ’ની કોઈ ચોપાઈ લખું. તો, દાદાજીએ મને કહ્યું કે, ‘બેટા, સપ્ત સમિધવાળી વાત લખ.’ સાત સમિધનાં નામ આ પ્રમાણે લખાયાં છે-

कुपथ कुतरक कुचालि कलि कपट दंभ पाषंड |
दहन राम गुन ग्राम जिमि इंधन अनल प्रचंड ||

આપણાં શાસ્ત્રોમાં સપ્તસમિધની વ્યવસ્થા છે. તુલસીજી કહે છે, તમારે ભીતરી યજ્ઞ કરવો હોય તો એમાં સાત સમિધ હોમાઈ જશે. કુપથ; આપણને કોઈ મંગલમૂર્તિ મળી જાય તો પહેલાં કુપથ આહૂત થઈ જશે. મનમાં આપોઆપ વિચાર આવે કે,  હું આ બાદશાહ પાસે બેઠો છું,  હવે મારા કુપથ છૂટી જવા જોઈએ. એ તો કંઈ નહીં બોલે, પરંતુ એણે મને જોઈ લીધો છે ! સાહેબ,  બીજાને સુધારવાથી એવું પરિણામ નથી આવતું. મારું તો એક જ મિશન છે, હું કોઈને સુધારવા નીકળ્યો જ નથી, સૌને સ્વીકારવા માટે નીકળ્યો છું. સૌનો સ્વીકાર થાય. કેટલાને સુધારશો ? એકવાર એમને પ્રેમ કરો. તો, જેની પાસે જવાથી આપણા કુપથ છૂટી જાય, તેને મંગલમૂર્તિ સમજવા. ક્યારેક ક્યારેક ઘટના મોડી શરુ થાય છે, પણ ઘટના ઘટે છે જરૂર. એનાં પોતાનામાં જ એક પ્રકારની ઊર્જા હોય છે, જે બુરાઈઓને ખેંચી લે છે. કુતર્ક. તર્ક હોવા જોઈએ, કુતર્ક નહીં. સતર્ક રહેવું જોઈએ, કુતર્કથી બચવું. જેમની પાસે બેસવાથી કુતર્ક જ મટી જાય, એ મંગલમૂર્તિ છે. કુતર્ક બીજું સમિધ છે. મારે આપને કહેવું એ છે કે, ઈશ્વરનાં તમામ વિધાનો મંગલકારી હોય છે. આપણને થોડુંક નથી દેખાતું, અનુકૂળતા, પ્રતિકૂળતા, જે હું ને તમે બધા જોઈ શક્તા નથી, તેથી આપણને બધાં

મંગલ વિધાન જણાતાં નથી.
હોઈહિ સોઈ જો રામ રચિ રાખ।
કો કરિ તર્ક બઢાવૈ સાખા।।

રામ જે ચાહે છે, ઈશ્વર જે ઈચ્છે, એ જ થાય છે. એ સિવાય અન્યથા કંઈ થતું જ નથી. પરંતુ એના માટે આપણી આંખ ઊઘડે, એના માટે આપણે સમજી શકીએ. એટલા માટે હું કહેતો હતો કે કે કોઈપણ ઘટના, તમને ખરાબ લાગે છે, પણ જો એ ઘટના ઈશ્વરભજન તરફ પ્રેરિત કરે, તો સમજવાનું આ રાવણની વિભીષણને લાગેલી લાત છે. જે લાતે, જે ચરણપ્રહારે વિભીષણને રામ સુધી પહોંચાડ્યો. દુનિયાની કોઈ પણ ઘટના મંગલમયી છે, થોડુંક લાંબુ જોવું પડે. થોડાક સ્થિર થઇ જવું. થોડાક, વાળ જેટલાયે હલવું નહિ. આપણે આવેશમાં ન આવી જઈએ. આપણી સ્થિરતાને ટકાવીએ.
ત્યાર બાદ કુચાલી. કુચાલીનો અર્થ છે ખોટો વ્યવહાર. જેમની પાસે રહેવાથી એ મટે, તે બુદ્ધપુરુષ. જે આપણા વર્તનને શુદ્ધ કરે, વિવેકને જાગૃત કરે. કુચાલ જરા સૂક્ષ્મ છે, દેખાતી નથી. કુચાલ અંદરથી કામ કરે છે. નીતિનભાઈનો શે’ર છે એ પ્રમાણે એ ઉપરથી દેખાય નહીં, પરંતુ કુચાલ અંદરની વાત છે-

હાથમાં પાસા નથી તો શું થયું ?
જૂગટું મનમાં રમાતું હોય છે.

LEAVE A REPLY

eleven + thirteen =