ગ્રાફિન માસ્કની મદદથી કોરોના વાયરસને નિષ્ક્રિય કરી શકાતો હોવાનો દાવો હોંગકોંગના વિજ્ઞાનીઓએ કર્યો છે. એક રિસર્ચ જરનલમાં પ્રકાશિત અહેવાલમાં આ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે સૂર્યપ્રકાશમાં 10 મિનિટ રહ્યા બાદ આ માસ્ક કોરોના વાયરસને નિષ્ક્રિય કરી શકે છે. ચીનની પ્રયોગશાળામાં કરાયેલા પ્રારંભિક પરીક્ષણોમાં લેઝર-ઈન્ડયૂસ્ડ ગ્રાફીન સૂર્યના પ્રકાશમાં 10 મિનિટ રહ્યા બાદ મનુષ્યને અસર કરનાર બે કોરોના વાયરસને લગભગ 100 ટકા સુધી નિષ્ક્રિય કરી શકવા માટે સક્ષમ છે.

સિટી યુનિવર્સિટી ઓફ હોંગકોંગ(સિટીયૂ)ના સંશોધકો ભવિષ્યમાં સાર્સ-સીઓવી-2 વાયરસ પરના પરીક્ષણ માટે યોજના ઘડી રહ્યા છે. સાર્સ-સીઓવી-2 વાયરસના કારણે જ કોવિડ-19 બીમારી થાય છે. સંશોધકોની આ ટીમે એવા ગ્રાફીનના માસ્ક પણ તૈયાર કર્યા છે, જે 80 ટકા સુધી જીવાણુંઓને રોકવા કે નિષ્ક્રિય કરી શકે છે. સંશોધકોનું કહેવું છે કે સૂર્યના પ્રકાશમાં 10 મિનિટ રહ્યા બાદ આ માસ્કની અસરકારકતા 100 ટકા થઈ જશે.

 જર્નલ એસીએસ નૈનોમાં પ્રકાશિત રીસર્ચ અનુસાર, આ ગ્રાફીન માસ્કનું નિર્માણ ખૂબ ઓછા ખર્ચે સરળતાથી કરી શકાય છે અને તેનાથી કાચા માલની સમસ્યા અને નોન-બાયોડિગ્રેડેબલ માસ્કોના ડિસ્પોઝલની સમસ્યાની પણ ખત્મ થઈ જશે.