પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વન-ડે તેમજ ટી-20માં સ્લો ઓવર રેટ (નિયત સમય કરતાં બોલિંસમાં વધુ સમય લેવો) માટે બોલિંગ કરતી ટીમને મેરિટના પોઈન્ટ તેમજ મેચ ફીનો દંડ તો કેટલાય વર્ષોથી કરાઈ રહ્યો છે, ત્યારે બોલિંગ કરતી ટીમને શિષ્તમાં રાખવા માટે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) ટી-20માં વધુ આકરો દંડ કરવાનું ઠરાવ્યું છે. આ નવા નિયમો આ જ મહિનેથી લાગું પડી જશે.

સુધારેલા નિયમો મુજબ હવે ઈનિંગના આરંભે નિયત સમયની જાણ બોલરના છેડે ઉભા રહેલા અમ્પાયર તેમના બીજા સાથી અમ્પાયરને તેમજ બન્ને ટીમના સુકાનીને કરશે. તે ઉપરાંત, કોઈ કારણોસર કોઈ વિક્ષેપ આવે તો પણ એ પછી નવા સુધારેલા સમયની જાણ તેઓ સંબંધિત સૌને કરશે. તે મુજબ, બોલિંગ કરતી ટીમ ઈનિંગની છેલ્લી ઓવર આ રીતે નિયત કરાયેલા સમયે શરૂ કરી શકવાની સ્થિતિમાં હોવી જોઈએ.

એ ટીમનો ધીમા બોલિંગ રેટ ધીમો જણાય તો એવી સ્થિતિ અમ્પાયર્સ દ્વારા નિશ્ચિત થયા પછીની ઓવરથી બોલિંગ કરતી ટીમ 30 વારના સર્કલની બહાર એક ઓછો – પાંચના બદલે ચાર જ ફિલ્ડર રાખી શકશે. આ નિયમ 16 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝમાં કિંગ્સટન, જમૈકા ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચેની મેચથી અમલી બની જશે.

સામાન્ય રીતે, ટી-20 મેચમાં પહેલી છ ઓવરમાં બોલિંગ કરતી ટીમને 30 વારના સર્કલની બહાર ફક્ત બે અને સાતમી ઓવરથી એ સર્કલની બહાર પાંચ ફિલ્ડર રાખવાની મંજુરી હોય છે. સુધારેલા નિયમો પછી બોલિંગ કરતી ટીમ કસુરવાર જણાય તો તે સાતમી ઓવર કે એ પછી આ વિસ્તારમાં ફક્ત ચાર જ ફિલ્ડર રાખી શકશે.