ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ચેતવણી આપી છે કે વિશ્વની સૌથી ધનાઢ્ય અર્થવ્યવસ્થાઓના G7 જૂથમાં યુકે પાછળ રહેશે અને અગાઉના અનુમાન કરતાં આ વર્ષે વૈશ્વિક અર્થતંત્ર વધુ ધીમી ગતિએ વધશે.  IMFએ વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં વૃદ્ધિ માટેની તેની અપેક્ષાને ઘટાડીને 3.2 ટકા કરી છે.

અ અગાઉ એપ્રિલમાં જીડીપીમાં 3.6 ટકાની વૃદ્ધિનો અંદાજ હતો. જે ગયા વર્ષે નોંધાયેલ 6.1 ટકાના દરથી લગભગ અડધો છે.

IMF અપેક્ષા રાખે છે કે સૌથી મોટી સેન્ટ્રલ બેંકો ફુગાવાને કાબૂમાં લેવા માટે લોનના વ્યાજના દરોમાં વધારો કરવા આક્રમક પગલાં લેશે અને માંગને દબાવવામાં આવશે. યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોઝોનમાં ફૂગાવાનો દર બે આંકડાની નજીક છે. યુક્રેનમાં સંઘર્ષ અને કોવિડ પ્રતિબંધોને કારણે ચીનમાં આવેલી મંદી આર્થિક રીકવરીને ધીમી કરશે.

ગત માર્ચ અને એપ્રિલમાં લોકડાઉનને પગલે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી હતી. 60થી વધુ વયના લોકોમાં રસીકરણના નીચા દર અને તેની સિનોવેક્સ રસીના ઉપયોગને કારણે ચીન હજી પણ કોવિડને કંટ્રોલ કરવામાં સંઘર્ષ કરી રહ્યું છે. સિનોવેક્સ રસી ફાઇઝર, ઓક્ષફર્ડ-એસ્ટ્રાઝેનેકા અને મોડેર્ના દ્વારા વિકસીત રસી કરતાં ઓછી અસરકારક છે.

યુક્રેનમાં યુદ્ધે પુરવઠામાં વિક્ષેપ પાડતા ઓઇલ, ગેસ અને ઘઉં જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે.