અમેરિકામાં રીપબ્લિકન સાંસદોએ તાજેતરમાં એક વધુ કોંગ્રેસનલ હિન્દુ કોકસનો પ્રારંભ કર્યો હતો. આ કોકસ હિન્દુ અમેરિકનો સંબંધિત મુદ્દાઓના સમર્થન માટેનો બીજો, પણ સૌથી મોટો મંચ હશે.
હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં રીપબ્લિકન્સના ચોથા સ્તરના નેતા ઇલાઇઝ સ્ટેફનિકે તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન અગ્રણી સલભ “શલ્લી” કુમાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “આજે હું યુએસ કોંગ્રેસમાં કોંગ્રેસનલ હિન્દુ કોકસનો અધિકૃત પ્રારંભ કરાવતા ખૂબ જ ઉત્સાહિત છું.”
ઇન્ડિયન અમેરિકન સમુદાયમાં સલભ કુમારે 2013માં ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વિઝા અપાવવા માટે અમેરિકન સત્તાધિશોને ભલામણ કરવા એક ઝુંબેશ ચલાવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. જો કે, એ પછી સલભ કુમાર ખૂબ જ ઝડપથી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક બની ગયા હતા. તેમણે આ કોકસના પ્રારંભ વેળાએ જણાવ્યું હતું કે, “આ કોકસ કાયદા અને હિન્દુ અમેરિકનોના મહત્ત્વના મુદ્દાઓને સમર્થન આપશે.”
હિન્દુ અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરવા માટે શરૂ કરવામાં આવેલું આ બીજું કોંગ્રેસનલ કોકસ છે, જેમાં મોટાભાગે ભારતીય મૂળના અમેરિકનો છે. તેઓ તેમના મૂળ દેશને બદલે પોતાના ધર્મ દ્વારા ઓળખાવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત કોકસ પોતાને શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાવે છે.
અમેરિકામાં આવા પ્રથમ હિન્દુ કોકસની શરૂઆત ડેમોક્રેટિક કોંગ્રેસમેન શ્રી થાનેદારે કરી હતી. જો કે, તેમાં શીખ અમેરિકનોના મુદ્દે વિવાદ થયો હતો. આ કોકસને સાંસદો તરફથી પણ વધુ સમર્થન મળ્યું નથી. તેની સરખામણીએ સ્ટેફનિકનાં હિન્દુ કોકસની શરૂઆત સારી છે અને તેને 10થી વધુ રીપબ્લિકન સાંસદોએ સમર્થન આપ્યું હોવાનો દાવો થઇ રહ્યો છે.













