Photo by Jim Vondruska/Getty Images)

અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટેના રીપબ્લિકન દાવેદાર વિવેક રામાસ્વામીએ પોતાના હિન્દુ ધર્મ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ગત સપ્તાહે ધ ડેઇલી સિગ્નલ દ્વારા આયોજિત કાર્યક્રમ- ‘ધ ફેમિલી લીડર’માં જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મે મને આઝાદી આપી છે, પ્રેસિડેન્ટપદની ચૂંટણી લડવાની પ્રેરણા આપી છે.

ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન વિવેક રામાસ્વામીએ હિન્દુ અને ખ્રિસ્તી ધર્મના વિચારો વચ્ચેની સમાનતાઓને ધ્યાનમાં રાખીને આવનારી પેઢીના ફાયદા માટે સહિયારા મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમનો હેતુ જણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું હિન્દુ છું. હું માનું છું કે ભગવાન સત્ય છે. ભગવાને આપણને એક ઉદેશ્યથી અહીં મોકલ્યા છે. મારો ધર્મ કહે છે કે, એ હેતુ સાકાર કરવાની આપણી નૈતિક ફરજ છે. તે ભગવાનના એવા સાધનો છે જે આપણામાં વિવિધ રીતે કામ કરે છે. આપણા ધર્મનું મૂળ એ છે કે ભગવાન આપણા બધામાં વસે છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “મારા ઉછેરના કારણે જ મારામાં પરિવાર, લગ્ન અને માતા-પિતા પ્રત્યે સન્માન વધ્યું છે. મારો ઉછેર પરંપરાગત ઘરમાં થયો હતો. મારા માતા-પિતાએ મને શીખવ્યું હતું કે, પરિવાર જ આપણો પાયો છે. તમારા માતા-પિતાને માન આપો. લગ્ન પવિત્ર બંધન છે. લગ્ન અગાઉ સંયમ રાખો. વ્યભિચાર ખરાબ છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્ન થાય છે. છૂટાછેડા એ ફક્ત એવી પ્રાથમિકતા નથી, જે તમે પસંદ કરો છો. તમે ભગવાનની સાક્ષીએ લગ્ન કરો છો, તમે ભગવાન અને તમારા પરિવારના નામે શપથ લો છો.”

38 વર્ષના વિવેક રામાસ્વામી દક્ષિણ-પશ્ચિમ ઓહાયોના વતની છે. તેમના માતા જેરીયાટ્રિક સાઇકિયાટ્રિસ્ટ હતા અને તેમના પિતા જનરલ ઇલેકટ્રિકમાં એન્જિનીયર તરીકે કાર્યરત હતા. તેઓ કેરળથી અમેરિકા આવ્યા હતા. રામાસ્વામીની પ્રેસિડેન્ટ પદ માટેની દાવેદારીએ સહુનું ધ્યાન ખેંચ્યું છે, જોકે તેઓ લોક સમર્થનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસથી પાછળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે 5 નવેમ્બરે દેશમાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી યોજાશે.

LEAVE A REPLY

two × 1 =