Ahead of the Gujarat elections, AAP announced the sixth list of candidates
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ (ANI Photo)

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર બુધવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ચૂંટણી વચન આપતા જણાવ્યું હતું કે જો ગુજરાતમાં તેમના પક્ષની સરકારની રચના થશે તો ગુજરાતની 18 વર્ષની ઉપરની તમામ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.

ગુજરાતની જનતાને કેજરીવાલે આપેલી આ પાંચમી ગેરંટી (ચૂંટણીવચન) છે. તેમણે જણાવ્યું હતું કે રૂ.1000નું માસિક ભથ્થું રેવડી (ફ્રીબી) નથી. તે તમારો હક છે. લોકોના નાણા સ્વીસ બેન્કમાં નહીં, પરંતુ લોકોના હાથમાં જવા જોઇએ.
કેજરીવાલે અમદાવાદ નજીકના વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ.

તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાના પર આક્ષેપ કરે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે.
તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના હાથમાં નાણા આવવાથી અર્થતંત્રને હકારાત્મક અસર પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે.