મુંબઈમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટસની કિંમત હવે ન્યૂયોર્કના કેટલાક મોંઘા વિસ્તારોની જેમ આસમાને પહોંચી હોવાનું એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ રીપોર્ટમાં ભારતના આર્થિક પાટનગરમાં વધી રહેલી સમૃદ્ધિ અને પ્રોપર્ટીની કિંમતને ઉજાગર કરવામાં આવી છે. મુંબઈના હાઇ-એન્ડ વર્લી વિસ્તારમાં એક ચોરસ ફૂટ જગ્યાની કિંમત 1,109 ડોલર જેટલી છે, જે ન્યૂયોર્કના લોઅર મેનહટ્ટનમાં પ્રોપર્ટીની કિંમત જેટલી જ છે, એમ ભારતીય રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એનારોક ગ્રુપ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની- 360 વન વેલ્થના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એનારોકના ચેરમેન અનુજ પુરીના જણાવ્યા મુજબ, આ કિંમતો સૂચવે છે કે, ભારતીય મૂડીમાંથી હવે વધુ હિસ્સો હવે સ્થાનિક વિસ્તારમાં રોકાણ થઇ રહ્યો છે અને વર્લી જેવા વિસ્તારોમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે, જે હવે ભારતના ‘અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ’ માર્કેટનો 40 ટકા હિસ્સો ધરાવે છે જેની કિંમત રૂ. 40 કરોડથી વધુ છે. રીપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં રૂ. 100 કરોડથી વધુ કિંમતના 20થી વધુ ઘરનું વેચાણ થયું હતું.

LEAVE A REPLY