Inauguration of Forensic Sciences University of Gandhinagar campus in Uganda

ગુજરાતમાં શરૂ થયેલી વિશ્વની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીના વિદેશમાં પ્રથમ કેમ્પસનો પ્રારંભ થયો છે. આ કેમ્પસ આફ્રિકન દેશ યુગાન્ડામાં શરૂ થયું છે. આ અંગે બંને દેશની સરકારો વચ્ચે સમજૂતી કરાર થયા છે. ભારત બહારના કેમ્પસની સ્થાપના કરીને વિશ્વની સૌ પ્રથમ અને એકમાત્ર સરકારી યુનિવર્સિટી બની છે, જેણે વિદેશમાં પોતાના કેમ્પસની સ્થાપના કરી હોય.

ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે 12 એપ્રિલે જિન્જા, યુગાન્ડામાં સૌપ્રથમ યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. સાથે જ ભારત અને યુગાન્ડા વચ્ચે ભારતની બહાર સૌપ્રથમ કેમ્પસ સ્થાપવા માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. સમજૂતી કરાર પર ડો. એસ. જયશંકર અને યુગાન્ડાના સંરક્ષણ અને વેટરન અફેર્સ, પ્રધાન વિન્સેન્ટ સેમ્પિજા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ ઉદઘાટન સમારોહ દરમિયાન લુકિયા ઈસાંગા નાકાદામા, યુગાન્ડાના નાયબ વડાપ્રધાન, વિદેશ પ્રધાન જનરલ ઓડોંગો, યુનિ.ના સ્થાપક કુલપતિ ડો. જે.એમ. વ્યાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુગાન્ડાના નાયબ વડાપ્રધાન લુકિયા ઈસાંગા નાકાદામાએ આ કેમ્પસનો પ્રારંભ કરવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. યુગાન્ડામાં વિવિધ પ્રકારના ગુનાઓની તપાસ અને શોધમાં વૈજ્ઞાનિક મદદ પ્રાપ્ત થશે. યુગાન્ડા કેમ્પસ 130 એકર જમીનમાં ફેલાયેલું હશે.

વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારત-યુગાન્ડા સંબંધો માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. ભારતની આ સૌપ્રથમ સરકારી યુનિવર્સિટી બની છે, જેના કેમ્પસની વિદેશમાં સ્થાપના થઈ હોય. આ યુનિ. જયાં સ્થિત છે એવા ગુજરાતના સાંસદ તરીકે આ પ્રગતિ માટે મને વિશેષ ખુશી થાય છે. ડો. જે. એમ. વ્યાસે એક અનોખી સિધ્ધી હાંસલ કરી છે. યુગાન્ડાના વિદ્યાર્થીઓ, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓને ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોનું શિક્ષણ અપાશે. નવા શૈક્ષણિક સત્રથી વિવિધ અભ્યાસક્રમો શરૂ થશે.

LEAVE A REPLY

three × 4 =