મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી મેચમાં શ્રીલંકાને 302 રનથી કારમો પરાજય આપીને ભારતે સેમીફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરની વિસ્ફોટક બેટીંગના કારણે ભારતે શ્રીલંકાને જીતવા 358 રનને ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ માત્ર 19.4 ઓવરમાં માત્ર 55 રનમાં તંબુભેગી થઈ ગઈ હતી. મોહમ્મદ શમીને તેના શાનદાર પરફોર્મન્સ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગીલે 92 રન (92 બોલ, 11 ફોર, 2 સિક્સ), વિરાટ કોહલીએ 88 રન (94 બોલ, 11 ફોર) જ્યારે શ્રેયસ ઐય્યરે 82 રન (56 બોલ, 3 ફોર, 6 સિક્સ) ફટકાર્યા હતા.
શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ શ્રેષ્ઠ બોલિંગ કરી 5 વિકેટ ખેરવી હતી. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે તેની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે શ્રીલંકાની ટીમમાં એક ફેરફાર થયો હતો જેમાં ધનંજય ડી સિલ્વાની જગ્યાએ દુષન હેમંથાનનો ટીમમાં સમાવેશ થયો હતો.
ભારતની ટીમે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધી રમાયેલી તમામ 7 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર ટોચના સ્થાને છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે શ્રીલંકાના બેટિંગ લાઇન-અપના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાંખ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ ચાર વિકેટ લીધી હતી.














