પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવણના નિવેદનનો જવાબ આપતા ચીને ગુરુવારે જણાવ્યું હતું કે ભારતના ‘સંબંધિત લોકો’ બિનરચનાત્મક ટીપ્પણીઓ ન કરે તેવી તે આશા રાખે છે. એક દિવસ અગાઉ જનરલ નરવણેએ જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં ખતરો કોઇપણ રીતે ઘટ્યો નથી અને ભારતની આર્મી મક્કમ અને નિશ્ચિત બનીને ચીનની મિલિટરીનો સામનો કરવાનું ચાલુ રાખશે.

15 જાન્યુઆરીએ આર્મી ડે પહેલા બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જનરલ નરવણેએ એવું પણ જણાવ્યું હતું કે યુદ્ધ અથવા સંઘર્ષ હંમેશા છેલ્લો વિકલ્પ હોય છે, પરંતુ ભારત પર લાદવામાં આવશે તો ભારત વિજયી બનશે. પૂર્વ લડાખમાં લશ્કરી મડાગાંઠના ઉકેલ માટે ભારત અને ચીને કોર્પ કમાન્ડર સ્તરની 14માં રાઉન્ડની મંત્રણાના દિવસે જનરલ નરવણેએ આ ટીપ્પણી કરી હતી.

આ ટીપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેગ વેનબિને ગુરુવારે મીડિયા બ્રિફિંગમા જણાવ્યું હતું કે હાલમાં ભારત અને ચીન સરહદ પરની તંગદિલીમાં ઘટાડો કરવા રાજદ્વારી અને લશ્કરી માધ્યમો મારફત મંત્રણા કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ ભારતના સંબંધિત લોકો બિનરચનાત્મક ટિપ્પણીઓ ન કરે. કોર્પ કમાન્ડર સ્તરની મંત્રણા અંગે ચીની પ્રવક્તાએ જણાાવ્યું હતું કે કમાન્ડર સ્તરની 14મી રાઉન્ડની બેઠક અંગે અમે જોઇ કોઇ માહિતી હશે તો જારી કરીશું.

જોકે ભારતના સુરક્ષા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન સાથેની લશ્કરી મંત્રણાના 14માં રાઉન્ડમાં ભારતે પૂર્વ લડાખમાં બાકીના સંઘર્ષના પોઇન્ટ પર લશ્કરી દળો વહેલા હટી જાય તે બાબત પર ભાર મૂક્યો હતો. ભારતે ડેપસેંગ બલ્ગ અને ડેમચોકના મુદ્દાના ઉકેલ પર પણ ભાર મૂક્યો હતો. 13 રાઉન્ડની મંત્રણા 10 ઓક્ટોબરે પૂરી થઈ હતી અને તેમાં મડાગાંઠ સર્જાઈ હતી. ભારત અને ચીનની મિલિટરી વચ્ચે 5 મે 2020ના રોજ પૂર્વ લડાખ સરહદ પર સંઘર્ષ થયો હતો. આ પછી પેન્ગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણ થઈ હતી.