
ચીને સરહદ પર સૈનિકોની જમાવટ ન કરવાની લેખિત સમજૂતીની અવગણના કરી હોવાથી ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર મડાગાંઠની સ્થિતિ ઊભી થઈ છે. ચીનના આ પગલાં સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કાયદેસરની ચિંતાનો મુદ્દો બન્યો છે. એમ ક્વોડ દેશના વિદેશ પ્રધાનોની બેઠકના એક દિવસ બાદ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત સહિતના ક્વોડ દેશોના વિદેશ પ્રધાનોએ શુક્રવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોઇ દેશની બળજબરીથી ઇન્ડો પેસિફિક રિજનને મુક્ત રાખવા સહકારમાં વધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. ક્વોડ વિદેશ પ્રધાનોની બેઠકમાં ભારત-ચીન સીમા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તેવા પ્રશ્નનો હકારમાં જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધોની ચર્ચા થઈ હતી, કારણ કે અમે પડોશી દેશો સાથેની ગતિવિધિ અંગે એકબીજાને માહિતગાર કરીએ છીએ. આ એક એવો મુદ્દો છે કે જેમાં ઘણા દેશો કાયદેસરનો રસ લે છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.












