ભારતમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા એક લાખ કરતાં ઓછી રહી હતી અને 3,403 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 3,63,079 થયો હતો. કોરોનાનો મૃત્યુદર પણ વધીને 1.24 ટકા થયો હતો. મહારાષ્ટ્રમાં 1,915, તમિલનાડુમાં 358 તથા કર્ણાટક અને કેરળ પ્રત્યેકમાં 194 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં આશરે 91,000 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 3,403 દર્દીઓના મોત થયા હતા. કોરોનાના કુલ કેસની સંખ્યા 2.92 કરોડ થઈ હતી. નવા કેસમાં મોટો ઘટાડો થઈ ગયો હોવા છતાં હજુ પણ મૃત્યુઆંકમાં ઊંચો છે. દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 4.49 ટકા રહ્યો હતો.

બીજી તરફ દૈનિક ધોરણે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત 29માં દિવસે પણ નવા કેસ કરતા મોટી હોવાથી એક્ટિવ કેસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં આશરે 34,580 લાખ દર્દી કોરોનામુક્ત બન્યાં હતા. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,77,90,073 પર પહોંચી ગઈ હતી. દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડવાની સાથે 40 લાખ પર પહોંચેલા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 લાખ પર પહોંચી ગઈ હતી. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 2 લાખથી વધારેના જીવ ગયા હતા અને રોજના સરેરાશ 2000 મોત થતાં હતા.