ભારતમાં કોવિડ-19ના કેસમાં થઈ રહેલા રોજિંદા વધારાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,692 નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63,729 નવા કેસ નોંધાયા છે અને ઉત્તરપ્રદેશમાં 27,360, દિલ્હીમાં 19,486, છત્તીસગઢમાં 14,912 કેસ અને કર્ણાટકમાં 14,859 નવા કેસ નોંધાયા છે. કુલ નવા કેસ પૈકીના 59.79 ટકા કેસ આ 5 રાજ્યોમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાંથી 27.15 ટકા નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત મહારાષ્ટ્રનો મૃતકઆંક પણ ઉંચો આવ્યો છે અને 398 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે દિલ્હીમાં 141 લોકોએ દમ તોડ્યો છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના રીપોર્ટમાં જણાવ્યા મુજબ 24 કલાકમાં 1,23,354 લોકો સાજા થયા છે જ્યારે 1,341 લોકોના મોત થયા છે. આ સ્થિતિમાં ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના સંકટમાં લેવા યોગ્ય પગલાનું સૂચન કર્યું છે. તેમની રજૂઆત મુજબ વેક્સિનના સરકારી સપ્લાય સિવાય તે ઓપન માર્કેટમાં પણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.